Gold Price Outlook 2025: સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. વિશ્વક બજારમાં પહેલીવાર સોનું 3000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીને સ્પર્શ્યું છે. તો ભારતમાં પણ પ્રતિ 10 ગ્રામ દીઠ 90000 રૂપિયાની સપાટી વટાવી સોનું રેકોર્ડ હાઇ થયું છે. હાલની પરિસ્થિતિ જોતા સોનામા તેજી ચાલુ રહેવાની શક્યતા છે. માર્કેટ એનાલિસ્ટો સોનાના ભાવની આગાહી કરી રહ્યા છે. વર્ષ 2025માં સોનાનો ભાવ ક્યાં પહોંચશે અને ભાવ વધવાના 10 કારણો વિશે જાણીયે
Gold Price Outlook 2025 : સોનું 92000 થશે?
કેડિયા એડવાઇઝરી (કેડિયા સ્ટોક્સ એન્ડ કોમોડિટીઝ રિસર્ચ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે, “સોનાના ભાવ 2025 માટેના અમારા અંદાજિત લક્ષ્યને સ્પર્શી ગયા છે. જો કે ટૂંકા ગાળાના વધઘટ ચાલુ રહી શકે છે, પરંતુ 2025માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 92000 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. કેડિયા એડવાઇઝરી રિપોર્ટમાં 10 મુખ્ય પરિબળોનો પણ ઉલ્લેખ છે જે સોનામાં તેજી ચાલુ રાખવાના સંકેત આપે છે:
Gold Price Hike Reasons : સોનાના ભાવ વધવાના 10 કારણ
વેપાર યુદ્ધ અને ટેરિફ વિવાદ
અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ સતત વધી રહ્યો છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુરોપિયન વાઇન પર 200% ટેરિફ લાદવાની ધમકી અને ચીન પર નવા ટેરિફ લાદવાથી વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધી છે. આવા વાતાવરણમાં, રોકાણકારોમાં સેફ હેવન એસેટ્સ તરીકે સોનાની માંગ વધી છે.
મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની વિક્રમી ખરીદી
દુનિયાના ઘણા દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી છે. જેના કારણે પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. પોલેન્ડે તેના સોનાના ભંડારમાં 90 ટન, તુર્કીએ 75 ટન અને ભારતે 73 ટનનો વધારો કર્યો. ડોલર પરની નિર્ભરતા ઘટાડવાના ભાગરૂપે ઘણા દેશો તેમના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહ્યા છે.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અનપેક્ષિત બે વખત વ્યાજદર ઘટાડ્યા છે. હવે બજારને અપેક્ષા છે કે યુએસ ફેડરલ રિઝર્વ 2025માં ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે. આનાથી દેવાનો ખર્ચ ઘટશે અને સોના જેવી બિન-ઉપજ આપતી સંપત્તિની માંગ વધશે.
ભૌતિક સોનાની અછત અને સપ્લાય ચેઇનમાં વિપેક્ષ
જાન્યુઆરીમાં લંડનથી 151 ટન સોનું ન્યુયોર્ક મોકલવામાં આવ્યું હતું, જેના કારણે ભૌતિક સોનાની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. આના કારણે સોનાની ડિલિવરીમાં વિલંબ થાય છે અને ભાવ મજબૂત થયા છે.
નબળો યુએસ ડોલર અને ઘટતી બોન્ડ યીલ્ડ
ડોલર ઇન્ડેક્સ (DXY) 104 થી નીચે આવી ગયો છે અને 10 વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડ ઘટીને 4.27% થઇ છે. આનાથી રોકાણ માટે સોનાનું આકર્ષણ વધ્યું છે, કારણ કે રોકાણકારો હવે ડોલરને બદલે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે ગણી રહ્યા છે.
ભૂ-રાજકીય જોખમ
રશિયા-યુક્રેન યુદ્ધ, યુએસ-ચીન વેપાર વિવાદ અને ઈરાન દ્વારા સોનાની ખરીદીમાં વાર્ષિક 300% વધારો જેવા પરિબળો સોનાની માંગમાં વધારો કરી રહ્યા છે. આવા વાતાવરણમાં, રોકાણકારો રિસ્ક મેનેજમેન્ટ માટે સોનામાં રોકાણ પણ વધારી રહ્યા છે.
ભૌતિક સોના અને ETF ઇન્ફ્લો માટે મજબૂત માંગ
COMEX પાસે હાલમાં 1,250 ટન ભૌતિક સોનું છે. તો સોના સમર્થિત ETF માં પણ 2024 માં 15% નો વધારો જોવા મળ્યો છે. આ સોનાના ભાવને ટેકો આપી રહ્યું છે.
ફુગાવાનું દબાણ અને ચલણનું અવમૂલ્યન
અમેરિકામાં ફુગાવાનો દર (યુએસ સીપીઆઈ) ઘટીને 2.8 ટકા થયો છે, પરંતુ ટેરિફ અને નાણાકીય હળવાશને કારણે ફુગાવો ફરી વધી શકે છે તેવી આશંકા છે. સોનાને સામાન્ય રીતે ફુગાવાના હેજ તરીકે ગણવામાં આવે છે, જેના કારણે તેની માંગમાં વધારો થયો છે.
શેરબજારમાં અસ્થિરતા અને મંદીનો ભય
વૈશ્વિક સ્તરે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરના ઉચ્ચ સ્તરથી ભારતીય શેરબજારનો નિફ્ટી -16 ટકા, અમેરિકાનો ડાઉ જોન્સ 10 ટકા, S&P 500 ઇન્ડેક્સ 10.5 ટકા અને નાસ્ડેક ઇન્ડેક્સ 14 ટકા જેટલા ઘટ્યા છે. શેરબજારમાં મંદીથી રોકાણખારો સોનામાં વધુ પૈસા રોકી રહ્યા છે, જેના કારણે બુલિયનના ભાવ સતત વધી રહ્યા છે.
સરકારો દ્વારા મોટા પાયે સોનાનો સંગ્રહ
ઈરાને તેના વિદેશી હૂંડિયામણ ભંડારના 20 ટકા એસેટ્સને સોનામાં રૂપાંતરિત કરી દીધું છે. ઘણા દેશો સમાન વ્યૂહરચના અપનાવી રહ્યા હોવાથી, સોનાની માંગ અને ભાવ ઊંચા સ્તરે રહે છે.





