Gold Price Outlook: શેરબજારમાં કડાકા વચ્ચે સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોના માર્કેટ ટ્રેન્ડ્સ દર્શાવે છે કે જ્યારે પણ શેરબજારમાં મોટો ઘટાડો થયો છે, ત્યારે સોનામાં ઝડપથી વધારો થયો છે. આ ટ્રેન્ડ્સ વર્ષ 2000 થી સતત જોવા મળી રહ્યું છે. વર્ષ 2000 થી અત્યાર સુધીના ડેટા દર્શાવે છે કે મંદી અને બજારમાં ભારે ઘટાડા દરમિયાનમાં સોનામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તાજેતરના યુએસ ટેરિફ વોર વચ્ચે સોનામાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શેરબજારમાં વધઘટ દરમિયાન સોનાના ભાવ વધવા વિશે માર્કેટ એનાલિસ્ટોએ આગાહી કરવાનું શરૂ કરી દીધું છે.
છેલ્લા 25 વર્ષના ડેટા દર્શાવે છે કે જ્યારે પણ દુનિયામાં આર્થિક કટોકટી આવી છે, ત્યારે સોનું રોકાણકારોને વધુ સારું વળતર અને સુરક્ષા બંને પ્રદાન કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, 2008 ની વૈશ્વિક આર્થિક મંદી દરમિયાન, શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ સોનામાં ઝડપથી ઉછાળો આવ્યો હતો. કોરોના મહામારી અને ડોટ-કોમ કેશ તેજી દરમિયાન પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.
શેરબજારમાં કડાકો અને સોનામાં સુવર્ણ વળતર
2008ની મંદીમાં યુએસ શેરબજાર S&P 500 સૂચકાંક 57.69 ટકા ઘટ્યો હતો, પરંતુ તે સમયગાળા દરમિયાન સોનામાં 39.56 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ડોટ-કોમ ક્રેશ દરમિયાન, યુએસ શેરબજાર S&P 500 ઇન્ડેક્સ 49.2 ટકા ઘટ્યો હતો, પરંતુ બે વર્ષમાં સોનાના ભાવ 21.65 ટકા વધ્યા હતા.
કોરોના મહામારી દરમિયાન શેરબજાર 35.71 ટકા તૂટ્યું હતું. જો કે આ દરમિયાન સોનામાં 32.48 ટકાનો ઉછાળો આવ્યો હતો.
હાલમાં, દુનિયાભરમાં યુએસ ટેરિફ વોરને કારણે અમેરિકાનો શેરબજાર S&P 500 ઇન્ડેક્સ લગભગ 21.87% ઘટ્યો છે, પરંતુ સોનામાં પહેલાથી જ 21.15% ની તેજી આવી છે. વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં સોનું 3167.7 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચવાની ધારણા છે.
પાછલા વર્ષોના આંકડા દર્શાવે છે કે જ્યારે પણ શેરબજારમાં 20 ટકા કે તેથી વધુ ઘટાડો થયો છે, ત્યારે સોનામાં ઝડપથી વધારો થયો છે.
શું સોનામાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
આંકડા દર્શાવે છે કે જ્યારે પણ શેરબજારમાં મોટો ઘટાડો આવે છે, ત્યારે સોનું રોકાણકારોને સ્થિરતા અને નફો બંને આપે છે. આર્થિક નિષ્ણાંતો માને છે કે જો કોઈ રોકાણકાર હવે સોનામાં ધીમે ધીમે રોકાણ કરે છે, તો તેને લાંબા ગાળે સારો ફાયદો મળી શકે છે.
સોનાના ભાવ વધવાના કારણ
- દુનિયાભરમાં રાજકીય તણાવ વધી રહ્યો છે
- ડોલર પરની નિર્ભરતામાં ઘટાડો (ડી-ડોલરાઇઝેશન)
- દુનિયાભરની મધ્યસ્થ બેંકો અને ETF દ્વારા સોનાની ખરીદી
- શેરબજારમાં કડાકો
- મોંઘવારી અને મંદીના ભય
Gold Price Outlook : સોનાના ભાવમાં ટ્રેન્ડ કેવો રહેશે?
કેડિયા એડવાઇઝરીના અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક અઠવાડિયામાં સોનાનો ભાવ થોડો સ્થિર રહી શકે છે, પરંતુ 3 થી 6 મહિનામાં તે આંતરરાષ્ટ્રીય બજારમાં 3340 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને સ્થાનિક બજારમાં રૂ. 94,500 સુધી પહોંચવાની ધારણા છે.





