Gold Silver Price All Time High: દિવાળી ધનતરેસ પર સોનું ચાંદીના ભાવ સાંભળી કાન ઉંચા જશે. સોના ચાંદીના ભાવ સતત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી રહ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 80000 રૂપિયા અને ચાંદી 95000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. પરિણામ દિવાળી ધનતેરસ પર સોનું ચાંદી ખરીદવા વધારે પૈસા ચૂકવવા પડશે.
સોનું ઓલટાઇમ હાઇ, ₹ 80000 પાર
સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 80000 રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. શનિવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયું છે. આ સાથે 99.9 શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ 80300 રૂપિયા થયુ હતું. જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 80100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. આગલા દિવસે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 79800 રૂપિયા અને 99.5 શુદ્ધ સોનાની કિંમત 79600 રૂપિયા હતી.
ચાંદી 3000 ઉછળી 95500 રૂપિયા ઓલટાઇમ હાઇ
સોના પાછળ ચાંદી પણ ઐતિહાસિક ટોચે પહોંચી છે. અમદાવાદના ઝવેરી બજારમાં શનિવારે ચાંદીમાં 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 95500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. તો ચાંદી રૂપુ 95300 રૂપિયા પ્રતિ 1 કિલો થઈ હતી. આગલા દિવસે 1 કિલો ચાંદીની કિંમત 92500 રૂપિયા હતી.
સોનુ ચાંદી દિવાળી પહેલા મોંઘા થયા
દિવાળી ધનતેરસ પહેલા સોનું ચાંદી અતિશય મોંઘા થયા છે. તમને જણાવી દઇયે કે, સ્થાનિક ઝવેરી બજારમાં 30 સપ્ટેમ્બરે સોનાની કિંમત 77800 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા હતી. આમ ઓક્ટોબર મહિનામા માત્ર 20 દિવસમાં પ્રતિ 10 ગ્રામ સોનું 2500 રૂપિયા અને 1 કિલો ચાંદી 5500 રૂપિયા મોંઘા થયા છે.