Gold Silver Price In Ahmedabad Gujarat : સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે, જેના કારણે નવરાત્રી દિવાળી પર લોકોને કિંમતી ધાતુ ખરીદવા વધારે પૈસા ચૂકવવા પડશે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 1.13 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઊંચો ભાવ છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ 37 ટકા વધ્યા છે. આમ રોકાણકારોને શેરબજાર કરતા સોનામાં અધધધ રિટર્ન મળ્યું છે.
Gold Price All Time High : સોનું 1.13 લાખ રૂપિયા પાર
સોનાનો ભાવ 1 લાખ 13 હજાર રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. અમદાવાદન ઝવેરી બજારમાં મંગળવારે સોનું 1200 રૂપિયા મોંઘુ થયું હતું. જેથી 99.9 શુદ્ધ સોનાનો ભાવ ભાવ 1,13,200 રૂપિયા (1 લાખ 13 હજાર 200 રૂપિયા) પ્રતિ 10 ગ્રામ થયો છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,900 રૂપિયા થયો છે. હોલમાર્ક સોનાનો ભાવ 1,10,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
સોના પાછળ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. અલબત્ત આજે સ્થાનિક બજારમાં સોનાના ભાવ સ્થિર હતા. 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 1,26,000 રૂપિયા હતો. તો 1 કિલો ચાંદી રૂપુનો ભાવ 1,25,800 રૂપિયા થયો છે. ભારતના અન્ય ઝવેરી બજારોમાં ચાંદીનો ભાવ 1.30 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
MCX Gold Record High : એમસીએક્સ સોનાનો વાયદો રેકોર્ડ હાઇવ
હાજર સાથે વાયદા બજારમાં પણ સોનાના ભાવે રેકોર્ડ બનાવ્યો છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 802 રૂપિયા વધી 1,09,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 233 રૂપિયા વધીને 1,25,804 રૂપિયા ટ્રેડ કરી રહી છે.
વૈશ્વિક બુલિયન બજારોમાં પણ સોના ચાંદીના ભાવ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. અમેરિકામાં વ્યાજદર ઘટવાની અપેક્ષાએ ગોલ્ડ સિલ્વરમાં તેજી આવી છે. અમેરિકામાં હાજર સોનાનો ભાવ અડધો ટકો વધી 3655 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો છે.