Gold Price All Time High: સોનાના ભાવ વધીને સતત બીજા દિવસે ઓલટાઇમ હાઇ થયા છે. બજેટ 2025માં સોના ચાંદી માટે મોટી જાહેરાત થવાની આશંકાએ સોનાના ભાવ વધી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 84000 રૂપિયા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો છે. ઉપરાંત વૈશ્વિક બુલિયન બજારોમાં પણ તેજીનો ટ્રેન્ડ છે. સોના પાછળ ચાંદીમાં પણ આજે જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
સોનું 84000 રેકોર્ડ હાઇ
સોનાના ભાવ નવી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા વધ્યું હતું. બજારમાં 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 84000 રૂપિયા થયો હતો. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. એક દિવસ પહેલા સોનું 83500 રૂપિયા હતું. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 83800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદી 1500 ઉછાળી
સોના પાછળ ચાંદી પણ ઉછળી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 92500 રૂપિયા થઇ છે. જ્યારે પાછલા દિવસે ચાંદીનો ભાવ 91000 રૂપિયા પ્રતિ 1 કિલો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમા સોનાનો ભાવ 83010 રૂપિયા અને મુંબઇમાં 81800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. જાન્યુઆરી મહિનામાં જ 10 ગ્રામ સોનાનો ભાવ 5300 રૂપિયા વધ્યો છે અને 1 કિલો ચાંદીની કિંમત 6000 રૂપિયા વધી છે.
અમેરિકાની ફેડ રિઝર્વ બેંક જાન્યુઆરીની બેઠકમાં બેન્ચમાર્ક વ્યાજદર 4.25 – 4.5 ટકા સ્થિર રાખ્યા છે. આથી સોનાના ભાવ અંગે અનિશ્ચતતાનો માહોલ છે. ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવલે સંકેત આપ્યા છે કે, મોંઘવારી અને રોજગારના આંકડાનું સ્પષ્ટ ચિત્ર સામે આવે ત્યાં સુધી રેટ કટ અંગે કોઇ ઉતાવળ કરાશે નહીં.





