Pakistan’s Gold Price All Time High : સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટી કુદાવી ગયા છે. તો ભારતમાં સોનાના ભાવ 1.27 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થતા હાહાકાર મચ્યો છે. તો પડોશી દેશ પાકિસ્તાનમાં સોનાનો ભાવ ભારત કરતા સાડા ત્રણ ગણા કરતા પણ વધારે છે. જી હા, પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 4 લાખ રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયો છે.
પાકિસ્તાનમા સોનાનો ભાવ 4 લાખ પાર
સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. 9 ઓક્ટોબર, 2025ના રોજ પાકિસ્તાનમાં 24 કેરેટે સોનાનો 10 ગ્રામ 4,16,500 રૂપિયા થયો છે. જ્યારે અમદાવાદમાં સોનાનો ભાવ 1,27,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આમ ભારતની તુલનામાં પાકિસ્તાનમાં સોનાના ભાવ લગભગ સાડા ત્રણ ગણા વધારે છે. સોનાના ભાવ વધતા સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું સ્વપ્ન બની ગયું છે.
પાકિસ્તાનમાં સોનાના ભાવ આટલા કેમ વધ્યા?
પાકિસ્તાનમાં સોનાના ભાવ વધતા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. સોથી મોટું કારણ છે પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, જે છેલ્લા ઘણા મહિનાથી સતત ઘટી રહ્યું છે. ઉપરાંત બેફામ મોંઘવારી વધી છે અને ડોલરના વધતા મૂલ્યથી પરિસ્થિતિ વધુ કથળી છે. ડોલર સામે પાકિસ્તાન ચલણી નબળું પડવાથી ત્યાં સોનાનો આયાત ખર્ચ વધ્યોછે. ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. આ બધા પરિબળોના લીધે પાકિસ્તાનમાં સોનાના ભાવ 4 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે.
પાકિસ્તાનમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ
પાકિસ્તાનમાં 24 કેરેટ સોનાનો ભાવ 4,16,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો 22 કેરેટ સોનું 3,81,789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાય છે. 21 કેરેટના સોનાની કિંમત 3,64,438 રૂપિયા અને 18 કેરેટના સોનાનો ભાવ 3,12,375 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.