Gold Price All Time High: સોનાના ભાવ આગ ઝરતી તેજીમાં સતત ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. સોનાના ભાવમાં એક જ દિવસમાં 1100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. પરિણામે ઇતિહાસમાં સોનું પહેલીવાર 88000 રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે.
સોનું 1100 ઉછળી 88600 રેકોર્ડ હાઇ લેવલ પર
સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 1100 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે ઇતિહાસમાં પહેલીવાર સોનાના ભાવ 88000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. આજે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 88600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે, જે રેકોર્ડ હાઇ ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 88300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 87500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી મોંઘી થઇ, ભાવ 94000 પાર
સોના પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. આજે અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં 500 રૂપિયાની તેજી આવી છે. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 94500 રૂપિયા થઇ છે. તો 1 કિલો ચાંદી રૂપુની કિંમત 94300 રૂપિયા થઇ છે. આગલા દિવસે ચાંદી ચોરસાની કિંમત 94000 રૂપિયા હતી.
બજેટ 2025 રજૂ થયા બાદ સોના ચાંદીના ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. 31 જાન્યુઆરી, 2025ના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 85000 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 93000 રૂપિયા હતા. તો 10 ફેબ્રુઆરીએ સોનું 88600 રૂપિયા અને ચાંદી 94500 રૂપિયા થયા છે. આમ ફેબ્રુઆરી મહિનાના 10 દિવસમાં સોનું 3600 રૂપિયા અનેચાંદી 1500 રૂપિયા મોંઘા થયા છે.
સોના ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
- અમેરિકા દ્વારા ભારત સહિત બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ચીમકી
- ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સોનાનો આયાત ખર્ચ વધવો
- શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોની સેફ હેવન સોના તરફ દોટ
- વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતાનો માહોલ
- ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી





