સોનામાં 13.5 ટકા અને ચાંદીમાં લગભગ 10 ટકાના રિટર્ન સાથે કેલેન્ડર વર્ષ 2022 વિદાય થયુ છે અને નવા કેલન્ડર વર્ષ 2023માં કિંમતી ધાતુ સોના – ચાંદીમાં કેવું રિટર્ન મળશે તેવી આગાહીઓ શરૂ થઇ ગઇ છે. હાલ તો વર્ષ 2023માં કિંમતી ધાતુનું આઉટલૂક આકર્ષક દેખાઇ રહ્યુ છે. જે રીતે દુનિયાની કેટલીક મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓમાં મંદીની દહેશત પ્રવર્તી રહી છે, જેને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં સોનામાં સેફ હેવન ડિમાન્ડથી તેજીનો માહોલ રહેવાની આશા છે.
હાલ મહામારી અને મંદીની આશંકાઓ વચ્ચે શેરબજાર માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ નથી. મોંઘવારી, ઉંચા વ્યાજદરો, જિયો પોલિટિકલ ટેન્શન અને મંદી જેવા ફેક્ટરોને પગલે અનિશ્ચિતતા છે. એવામાં સોના અને ચાંદીની કિંમતોને સપોર્ટ મળી શકે છે. બ્રોકરેજ હાઉસ ICICIએ વર્ષ 2023માં સોનામાં 13 ટકા અને ચાંદીમાં 16 ટકા રિટર્ન મળવાની આશા વ્યક્ત કરી છે.
સોનું 62,000 થશે
સોનાનો હાલનો ભાવ (Gold Price Today) 54,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પીળી કિંમતી ધાતુએ કેલેન્ડર વર્ષ 2022માં 13.79 ટકા રિટર્ન આપ્યુ છે. ICICI ડાયરેક્ટ (ICICIdirect)ના કોમોડિટી આઉટલૂક રિપોર્ટ 2023ની અનુસાર સોનું આગામી સમયમાં પણ સકારાત્મક વળતર આપવાનું ચાલુ રાખશે. રિપોર્ટમાં વર્ષ 2023ની માટે સોનાની કિંમત 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉંચી સપાટીને સ્પર્શી જવાની આગાહી કરવામાં આવી છે, જે આ કિંમતી ધાતુની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી હશે. આમ નવા વર્ષે સોનામાં 13.28 ટકાનું રિટર્ન મળવાની આશા રાખવામાં આવી રહી છે.

ચાંદી ચમકશે – ભાવ 80,000 રૂપિયાને સ્પર્શી જશે
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ રોકાણકારોને ‘ચાંદી-ચાંદી’ થશે. ચાંદી પણ નવા વર્ષે સોના કરતા વધારે કમાણી કરાવી શકે છે. ચાંદી એ વર્ષ 2022માં લગભગ 10 ટકા જેટલું રિટર્ન આપ્યુ છે. ચાંદીનો હાલનો ભાવ 68870 રૂપિયા પ્રતિ કિગ્રા છે. આઇસીઆઇસીઆઇ ડિરેક્ટરની કોમોડિટી આઉટલૂક રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2023માં ચાંદીની કિંમત 80,000 રૂપિયા પ્રતિકિગ્રાને સ્પર્શી શકે છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ છે. આમ હાલ હાલના ભાવની તુલનાએ નવા વર્ષે ચાંદી 16.16 ટકા રિટર્ન આપી શકે છે.

કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં મળ્યું નેગેટિવ રિટર્ન
કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકે ચાલુ વર્ષ 2022માં નેગેટિવ આપ્યુ છે. કોપરનો હાલનો ભાવ 724 રૂપિયા પ્રતિ કિગ્રા છે અને કેલેન્ડર વર્ષ 2022માં 2.36 ટકા નકારાત્મક વળતર આપ્યુ છે. તો કેલેન્ડર વર્ષ 2023માં કોપર 17.40 ટકા રિટર્નની સાથે ભાવ 850 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી જઇ શકે છે. એલ્યુમિનિયમની વાત કરીયે તો કરન્ટ પ્રાઇસ 208.40 રૂપિયા પ્રતિ કિલો છે અને વર્ષ 2022માં તેની કિંમત 6.71 ટકા ઘટી છે. વર્ષ 2023માં કોપરની કિંમત 260 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી પહોંચવાની સાથે સાથે 24.76 ટકા જેટલું રિટર્ન મળવાની અપેક્ષા છે. ઝિંકની વાત કરીયે તો તેની હાલની કિંમત 272.40 રૂપિયા પ્રતિ કિગ્રા છે અને વર્ષ 2022માં 4.52 ટકા નેગેટિવ રિટર્ન આપ્યુ છે. હવે વર્ષ 2023માં તે 28.49 ટકા રિટર્ન આપવાની સાથે તેની કિંમત 350 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી વધી શકે છે.