સોના- ચાંદીમાં રોકાણકારોને શેર બજાર કરતા સવાયું રિટર્ન મળ્યું છે. નાણાંકીય વર્ષ 2022-23માં સોના – ચાંદીમાં રોકાણ કરનારને 15 ટકા જેટલું જંગી રિટર્ન મળ્યું છે જે પ્રવર્તમાન આર્થિક અસ્થિરતા અને મંદીના માહોલ વચ્ચે કિંમતી ધાતુઓને ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક અને વિશ્વસનિય વિકલ્પ બનાવે છે. ઉલ્લેખનીય છે કે, વિતેલ વર્ષ 2022-23 દરમિયાન શેર બજાર સેન્સેક્સ – નિફ્ટીમાં રોકાણકારોને પોણા ટકા જેટલું નેગેટિવ રિટર્ન મળ્યું છે.
સોનામાં 15 ટકા રિટર્ન મળ્યું
નાણાંકીય વર્ષ 2022-23ની વાત કરીયે તો ભારતમાં સોનાના ભાવ 15.6 ટકા વધ્યા છે. 31 માર્ચ, 2022ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 61500 છે, જે 31 માર્ચ 2022ના રોજ 53200 રૂપિયા હતો. આમ એક વર્ષમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 8300 રૂપિયા વધ્યા છે. ટકાવારીની રીતે રોકાણકારોને 15.66 ટકા જેટલું દમદાર રિટર્ન મળ્યું છે.
કોરોના મહામારી બાદ સોના – ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધ્યા હતા અને હાલના ભૂ-રાજકીય તણાવ તેમજ આર્થિક મંદીના ભણકારા વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ સતત ઉંચે જઇ રહ્યા છે. જેમાં અમેરિકા અને યુરોપની બેન્કિંગ કટોકટીના કારણે ર્થિક મંદીની દહેશત વચ્ચે ‘સેફ હેવન’ ગણાતા સોનાના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં સોનાની કિંમત 24 માર્ચ, 2023ના રોજ 61,600 રૂપિયાની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી હતી. હાલની આર્થિક પરિસ્થિતિને જોતા સોનાના ભાવ હજી ઉંચે જવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ચાંદીની ‘ચમક’ વધી, એક વર્ષમાં ભાવ 6.6 ટકા વધ્યા
સોનાની પાછળ પાછળ ચાંદીની કિંમત પણ ચમક છે. 31 માર્ચ, 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો શુદ્ધ ચાંદી ચોરસાનો ભાવ 72000 રૂપિયા હતો, જ્યારે વર્ષ પૂર્વેની સમાન તારીખે તેની કિંમત 67500 રૂપિયા હતી. આમ નાણાંકીય વર્ષ 2022-23માં 1 કિગ્રા ચાંદીના ભાવ 4500 રૂપિયા વધ્યા છે. ટકાવારીની રીતે ચાંદી 6.66 ટકા મોંઘી થઇ છે.
FY23માં શેર, સોના-ચાંદીના રિટર્ન પર એક નજર
વિગત 31 માર્ચ 2022 31 માર્ચ 2023 વધ/ઘટ રિટર્ન સોનું 53200 61500 +8300 +15.60% ચાંદી 67500 72000 +4500 +6.66% સેન્સેક્સ 58568 58991 -423 -0.72% નિફ્ટી 17464 17359 -105 -0.60%





