Gold Silver Price Today: સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. એક દિવસ પહેલા સોનું ચાંદી ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા હતા, જો કે ઉંચા ભાવ ઘરાકીના અભાવે ઘટ્યા છે. એક જ દિવસમાં સોના 1500 રૂપિયા અને ચાંદી 2500 રૂપિયા ઘટ્યા છે. એક દિવસ પહેલા સોના ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા બાદ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1 લાખ રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યો છે.
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 5900 રૂપિયાનો કડાકો નોંધાયો છે. ભારતમાં સોનાના ભાવ 1 લાખ રૂપિયા ઉપર બોલાઇ રહ્યા છે. જો તમે પાકિસ્તાનના સોનાના ભાવ સાંભળશો તો ચકરાઇ જશો.
સોનું 1500 રૂપિયા તૂટ્યું
અમદાવાદના ઝવેરી બજારમાં ગુરુવારે સોનું 1500 રૂપિયા સસ્તું થયું હતું. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,02,000 રૂપિયા હતો. તો 99.5 સોનાનો ભાવ 1,01,700 રૂપિયા થયો હતો. તમને જણાવી દઇયે કે, 23 જુલાઇ, 2025 બુધવારના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ 1,03,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા હતા.
ચાંદીમાં 2500 રૂપિયાનો ઘટાડો
આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ 2500 ઘટ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચોરસા ચાંદી 2500 રૂપિયા ઘટીને 1,15,000 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. તો ચાંદી રૂપુ 1,14,800 રૂપિયા પ્રતિ કિલો બોલાયું હતું. ગઇકાલે ચાંદીનો ભાવ 1,17,500 રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હતા.
એમસીએક્સ સોનામાં 2000નો કડાકો
હાજર બજાર સાથે વાયદા બજારમાં પણ સોનું તુટ્યું છે. બે દિવસ પહેલા એમસીએક્સ પર ગોલ્ડ ફ્યૂચર 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા હતા. જો કે ત્યારબાદ ભાવ લગભગ 2000 રૂપિયા ઘટીને ગુરુવારે 98,500 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એમસીએક્સ ચાંદી વાયદો 500 રૂપિયા ઘટી 1.15 લાખ રૂપિયા આસાપસ બોલાઇ રહ્યો છે.





