/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gold-5.jpg)
Gold Jewellry : સોનું. (Photo: Freepik)
Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવ ઘટીને મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા છે. આ સાથે બંને કિમતી ધાતુ સોના ચાંદીના ભાવ એક સમાન થઇ ગયા છે. એક જ દિવસમાં સોનું 1500 રૂપિયા અને ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ છે. તાજેતરમાં સોના ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોચ્યા છે. જો કે ભૂરાજકીય તણાવ હળવો થતા આ સપ્તાહે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે.
સોનું 1 મહિનાને તળિયે
સોનાના ભાવ 1 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1500 રૂપિયા સસ્તું છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત 95500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે 15 એપ્રિલ, 2025 પછીનો સૌથી નીચો ભાવ છે. આગલા દિવસે સોનાનો ભાવ 97000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. આજે 23 કેરેટ 99.5 સોનાની કિંમત 95200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટવાથી ભારતીય બજારમાં પણ ભાવ છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં સોનું 3000 રૂપિયા સસ્તું થયું છે.
ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ
સોના પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 1000 રૂપિયા ઘટીને 95500 રૂપિયા થયા છે. એક દિવસ અગાઉ ચાંદીની કિંમત 96500 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. હજાર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા છે.
સોના ચાંદી ઐતિહાસિક ટોચથી નોંધપાત્ર ઘટ્યા
સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચથી 10 ટકા સુધી ઘટ્યા છે. વાયદા બજાર એમસીએક્સ સોનાનો ભાવ આજે 91250 રૂપિયા બોલાયો હતો. આમ 22 એપ્રિલના 1 લાખ રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલથી સોનું 8750 રૂપિયા ઘટી ગયું છે.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આજે સોનાના ભાવમાં 2375 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને 10 ગ્રામની કિંમત 91484 રૂપિયા થઇ હતી. તો ચાંદી પણ 2297 રૂપિયા ઘટીને 94103 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. આગલા દિવસે સોનાનો ભાવ 93859 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 96400 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.
વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ 1 મહિનાના નીચા સ્તરે છે. કોમેક્સ ગોલ્ડ ફ્યૂચર 1.1 ટકા ઘટીને 3141 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું છે. નોંધનિય છે કે, 22 એપ્રિલે સોનાનો ભાવ 3500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us