વૈશ્વિક બુલિયન બજારની તેજી પાછળ સ્થાનિક બજારમાં પણ સોના -ચાંદીના ભાવ છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. એક બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે એવા સમયે સોના-ચાંદીના ભાવ વધતા લોકોને વધારે નાણાં ખર્ચવા પડી રહ્યા છે. શુક્રવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત એપ્રિલ અને ચાંદી મે મહિના પછીના ઉંચા સ્તરે પહોંચી ગઇ છે. નોંધનિય છે કે, વૈશ્વિક બજારની તેજી, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ અને દાગીનાની માંગ વધતા દિવાળી બાદથી સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.
સોનું 55000 રૂપિયાને પાર, એપ્રિલ સૌથી ઉંચા સ્તરે
શુક્રવાર, 2 ડિસેમ્બર 2022ના રોજઅમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 400 રૂપિયા વધીને 55,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે, જે અગાઉના દિવસે 54,800 રૂપિયા હતા. સોના ભાવ એપ્રિલ બાદ 55,000 રૂપિયાની સપાટીને ઉપર પહોંચ્યા છે. છેલ્લે 19 એપ્રિલ, 2022ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 55,200 રૂપિયા બોલાયો હતો.

ચાંદીમાં ચમકારો, કિંમત 64,000ને સ્પર્શી
સોનાની પાછળ પાછળ ચાંદીમાં ચમકારો જોવા મળ્યો છે. શુક્રવારે સ્થાનિક બજારમાં ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિગ્રાની કિંમત 64,000 રૂપિયાને સ્પર્શી ગઇ છે, જે 27 મે, 2022 પછીની સૌથી ઉંચી કિંમત છે. છેલ્લે આ તારીખે ચાંદીનો ભાવ 64,000 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાયો હતો.
દિવાળી બાદ સોના-ચાંદીમાં મોટો ઉછાળો
દિવાળી બાદથી સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 58,000 રૂપિયા અને 10 ગ્રામ સોનાની કિંમત 52,600 રૂપિયા હતી. જયારે 2 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત અનુક્રમે 55,200 અને ચાંદી 64,000 રૂપિયા બોલાઇ હતી. આમ દિવાળી બાદ સોનાની કિંમતમાં પ્રતિ 2600 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ચાંદી પણ દિવાળી બાદ 6000 રૂપિયા મોંઘી થઇ છે.

વૈશ્વિક બુલિયન બજારમાં પણ તેજીનો માહોલ
વૈશ્વિક બુલિયન બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવ 1800 ડોલરની સપાટી કુદાવીને ઉંચામાં 1808 ડોલર પ્રતિ ટ્રોય ઔંસને સ્પર્શ્યા હતા, જે છેલ્લા ચાર મહિનાની ઉંચી સપાટી છે. જો કે ઉંચા સ્તરે નફાવસૂલી નીકળતા સોનાના ભાવ ગગડીને 1800 ડોલરની નીચે 1796 ડોલર પ્રતિ ટ્રોય ઔંસના સ્તરે આવી ગયા હતા. બુલિયન એનાલિસ્ટોનું કહેવુ છે કે, ડોલર ઇન્ડેક્સમાં 107 ડોલરની નીચે નબળાઇ રહેતા સોનામાં મજબૂત બુલિશ ટ્રેન્ડ રહેવાની ધારણા છે.