કોરોના મહામારીની દહેશત વધતા સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. 21 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ઉછળીને 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા, જે ઓગસ્ટ 2020 પછીનો સૌથી ઉંચો ભાવ છે. સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ ચમકારો જોવા મળ્યો છે. આજે સ્થાનિક બજારમા ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ 1 કિગ્રાની કિંમત 67500 રૂપિયા થઇ હતી.
સોનં 56,000 થયું, ઇતિહાસનો બીજો સૌથી ઉંચો રેકોર્ડ ભાવ
કોરોના મહામારી ફરી ફેલાવાની આગાહીઓ વચ્ચે સોના – ચાંદીમાં ફરી તેજીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજાર દ્વારા આજે જાહેર કરાયેલા ભાવ અનુસાર સોનાની કિંમત 200 રૂપિયા વધીને 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે ઓગસ્ટ 10 ઓગસ્ટ, 2020 પછીનો સૌથી ઉંચો ભાવ છે. આમ આજનો 56,000 રૂપિયાનો ભાવ એ સોનાનો અત્યાર સુધીના ઇતિહાસનો બીજો સૌથી ઉંચો રેકોર્ડ ભાવ છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારી ફેલાતા દુનિયાભરમાં માર્ચ 2020ના અંતે લોકડાઉન લાગુ કરાયુ હતુ. સોનાને ‘સંકટ સમયની સાંકળ’ ગણવામાં આવે છે અને આ વિકટ પરિસ્થિતિમાં સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. આ તેજીની ચાલમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમત 7 ઓગસ્ટ 2020ના રોજ પ્રતિ 10 ગ્રામ 58000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી હતી. ત્યારબાદ સોનાના ભાવ ઘટ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1,815 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 23.94 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
ચાંદીમાં 1500નો ઉછાળો
સોનાની પાછળ પાછળ કિંમતી ધાતુ ચાંદીમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીની કિંમતમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિગ્રાની કિંમત 67500 રૂપિયા થઇ છે, જે એપ્રિલ 2022 પછીનો સૌથી ઉંચો ભાવ છે. સ્થાનિક બજારમાં 23 એપ્રિલ 2022ના રોજ ચાંદીનો ભાવ 68000 રૂપિયા બોલાયો હતો.
દિવાળી બાદ સોના-ચાંદીમાં સતત તેજી, જાણો કેટલા ભાવ વધ્યા
વૈશ્વિક બુલિયન બજારની તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણને પગલે છેલ્લા કેટલાંક મહિનાથી ભારતીય બજારમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. દિવાળીના દિવસે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 58,000 રૂપિયા અને 10 ગ્રામ સોનાની કિંમત 52,600 રૂપિયા હતી. જયારે 21 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત અનુક્રમે 56,000 અને ચાંદી 67,500 રૂપિયા બોલાઇ છે. આમ દિવાળી બાદ સોનાની કિંમતમાં પ્રતિ 3400 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ચાંદી પણ દિવાળી બાદ 9500 રૂપિયા મોંઘી થઇ છે.

સોના-ચાંદીમાં ઉછાળાના કારણો
- કોરોના મહામારીની દહેશત, ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં સંક્રમણના કેસ વધ્યા
- મહામારી અને મંદીની ચિંતા વચ્ચે સોનામાં ‘સેફ હેવન’ ખરીદી વધી
- દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો
- કોરોના કેસ વધતા શેરબજારમાં આંચકો, માર્કેટ ઘટવાની સંભાવના
- ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- સ્ટોક માર્કેટની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ મંદીનો માહોલ
નિષ્ણાંતો શું કહે છે કે,
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, “આગલા દિવસે સોનાના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો થયા બાદ માર્કેટ ટ્રેન્ડ એકંદરે સ્થિર રહ્યો હતો, કારણ કે બેન્ક ઓફ જાપાનની આશ્ચર્યજનક રીતે તેની નીતિમાં ફેરફાર બાદ ડોલર નબળો પડ્યો છે. ’ આમ ડોલર નબળો પડવાથી કિંમતી ધાતુઓ મજબૂત થઇ છે.