Gold Silver Price News In Gujarati : નવરાત્રીના પ્રથમ દિવસે જ સોના ચાંદીની કિંમતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારોમાં તેજી, યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ અને તહેવારોમાં ખરીદી નીકળવાની આશાએ સોના ચાંદીના ભાવ વધીને ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. એક બાજુ નવા જીએસટી દર લાગુ થતા દૂધ અને દૂધની બનાવટો, કાર બાઇક, વીમા યોજના, દવાઓ સહિત રોજિંદા વપરાશની ચીજો સસ્તી થઇ છે, ત્યારે બીજી બાજુ સોના ચાંદીના આસમાને પહોંચ્યા છે.
સોનું 1700 રૂપિયા ઉછળ્યું
નવરાત્રીના પ્રથમ દિવસે સોનામાં 1700 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત વધીને 1,16,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તેના આગલા દિવસે સોનાનો ભાવ 1,14,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 1700 રૂપિયા વધીને 1,15,700 રૂપિયા થઇ છે, જે આગલા દિવસે 1,14,000 રૂપિયા હતી.
ચાંદીમાં 3500 રૂપિયાનો ઉછાળો
સોના સાથે ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 3500 રૂપિયા ઉછળી હતી અને 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,35,000 રૂપિયા થઇ છે, અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. આગલા દિવસે ચાંદીની કિંમત 1,31,500 રૂપિયા હતી. તો ચાંદી રૂપુની કિંમત 1,34,800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
MCX Gold Silver Price : વાયદા બજારમાં સોના ચાંદીના ભાવ વધ્યા
હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1654 રૂપિયા વધી 1,11,501 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 2634 રૂપિયા વધ્યો હતો અને 1 કિલો ચાંદીની કિંમત 1,32,472 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
વૈશ્વિક બજારમાં ગોલ્ડ ફ્યૂચર 26.82 ડોલર વધી 3732.62 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો. ઉલ્લેખનિય છે કે, પાછલા અઠવાડિયે સોનાએ 3744 ડોલરની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. તો ચાંદી વાયદો 2.17 ટકા વધીને 43.88 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ હતી. યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર ઘટાડતા સોના ચાંદીમાં સેફ હેવન માંગ વધી છે. પ્રવર્તમાન વલણોને જોતા બુલિયન એક્સપર્ટ્સ સોના ચાંદીના ભાવ હજી ઉંચે જવાની આગાહી કરી રહ્યા છે.





