Gold Silver Rate News : સોના ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારના સકારાત્મક સંકેત અને યુએસ ડોલરમાં નરમાઇથી સોના ચાંદીના ભાવ મજબૂત થયા છે. અમેરિકામાં શટડાઉન લંબાવવાથી રોકાણકારો સેફ હેવન ગણાતા સોના ચાંદી તરફ ફંટાયા છે. જેથી સ્થાનિક બજારમાં એક જ દિવસમાં સોનામાં 2100 રૂપિયા અને ચાંદીમાં 3500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
સોનું 2100 રૂપિયા મોંઘું થયું
સોનાના ભાવ ફરી વધ્યા છે. સોમવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 2100 રૂપિયા વધ્યા છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાના ભાવ વધીને 1,26,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. જ્યારે અગાઉ સોનાનો ભાવ 1,24,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 2100 રૂપિયા વધી 1,26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આગલા દિવસે તેનો ભાવ 1,23,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. હોલમાર્ક સોનાનો ભાવ 1,23,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
ચાંદી ₹ 3500 ઉછળી
સોના સાથે ચાંદી પણ ઉછળી છે. સ્થાનિક ઝવેરી બજારમાં એક જ દિવસમાં ચાંદીમાં 3500 રૂપિયાની તેજી આવી છે. અમદાવાદમાં 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,53,500 રૂપિયા થઇ છે. તો ચાંદી રૂપુની કિંમત 1,53,300 રપિયા પ્રતિ કિલો થઇ છે.
વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 2083 રૂપિયા વધ્યું હતું અને 1,23,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 4435 રૂપિયા ઉછળ્યો હતો અને 1,52,163 રૂપિયા પ્રતિ 1 કિલો બોલાતો હતો. વૈશ્વિક બજારમાં હાજર સોનું 1.6 ટકા વધી 4053 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું હતું. તો ચાંદી 2.3 ટકા વધીને 49.26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ છે.





