Gold Silver Price Today News : સોના ચાંદીના ભાવ જબરદસ્ત ઉછાળા સાથે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ટ્રમ્પ ટેરિફ ટેન્શન, વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી છેલ્લા એક સપ્તાહથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ઘરઆંગણે સોનું 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો ચાંદીમાં 5000 રૂપિયાથી વધુ ઉછાળો આવ્યો છે.
સોનું 10 ગ્રામનો ભાવ
સોનાના ભાવ ઓલટાઇમ હાઇ થયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં મંગળવારે સોનો ભાવ 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો હતો. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,08,000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો, જે ગઇકાલે 1,07,700 રૂપિયા હતો. છેલ્લા બે દિવસમાં સોનું 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે.
આજે 99.5 શુદ્ધ સોનાની કિંમત 1,07,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તો હોલમાર્કનો ભાવ 1,05,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી બે દિવસમાં 5000 મોંઘી થઇ
ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે. આજે અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2500 રૂપિયા વધ્યો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,25,000 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી રુપું 1,22,300 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. બે દિવસમાં ચાંદી 5500 રૂપિયા મોંઘી થઇ છે.
વૈશ્વિક બુલિયન માર્કેટની તેજી પાછળ સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા છે. રોઇટર્સની એક રિપોર્ટ મુજબ વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવ પહેલીવાર 3.49 ટકા વધીને 3500 ડોલર પ્રતિ ટ્રોંય ઔંસ લેવલ કુદાવી ગયા 3508 ડોલર આસપાસ પહોંચ્યા હતા. યુએસ ડિસેમ્બર ડિલિવરી વાયદો 1.4 ટકા વધીને 3565 ડોલર બોલાતો હતો. ભારતમાં એમસીએક્સ સોનું 160 રૂપિયા વધીને 1,05,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયું હતું.