Gold Silver Rate Today : સોના સાથે ચાંદી ભાવ સતત ઉંચી સપાટી પર પહોંચી રહ્યા છે. બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીમાં 11,500 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિલોનો ભાવ 1.92 લાખ રૂપિયા ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. તો સોનાના ભાવ 1.32 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. યુએસ ફેડ રેટ કટ અને ડોલર સામે રૂપિયાની નબળાઇથી ઘરઆંગણે સોના ચાંદીના ભાવ ઝડપથી વધવાની આશંકા છે.
ચાંદી ઓલટાઇમ હાઇ, 1 કિલોનો ભાવ ₹ 1.92 લાખ
ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશન મુજબ, મંગળવારે દિલ્હીમાં ચાંદીનો ભાવ 1,80,500 રૂપિયા પ્રતિ 1 કિલો હતો. જે બુધવારે 11,500 રૂપિયા ઉછળી 1,92,000 રૂપિયા પ્રતિ કિલોની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આ ચાંદીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસમાં સૌથી મોટો ભાવ ઉછાળો છે. અમદાવાદમાં ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ હતી. આ સાથે 1 કિલો ચાંદીનો ભાવ 1.82 લાખ રૂપિયા થયો છે.
ચાંદીના ભાવ વાયદા બજારમાં પણ ઉછળ્યા છે. આજે સવારે એમસીએક્સ ચાંદી વાયદો 4000 રૂપિયા ઉછળી 1.92,822 રૂપિયો બોલાતો હતો. ટકાવારીની રીતે ભાવ 2.2 ટકા વધ્યા છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 680 રૂપિયા ઉછળી 1,30,480 રૂપિયા આસપાસ બોલાતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.16 ટકા ઘટી 4,201.70 પ્રતિ ઔંસ થયુ હતું.
2025માં સોનાને પછાડી ચાંદીએ 110 ટકા વળતર
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, 2025માં સોનાને પછાડી ચાંદીએ 110 ટકા વળતર આપ્યું છે. સોનાની તુલનામાં ચાંદી એક સસ્તો વિકલ્પ છે. 5 વર્ષથી સતત સપ્લાય ઘટી રહી છે. ચાંદીનું માઇન ઉત્પાદન લગભગ સ્થિર રહ્યું છે. સોલાર પેનલ, ઇવી, ઇલેક્ટ્રોનિક્સ અને 5G ઇન્ફ્રા માટે ચાંદી આવશ્યક મેટલ છે. નવેમ્બર 2025માં અમેરિકાએ તેને ક્રિટિકલ મિનરલ્સ યાદીમાં ઉમેર્યું છે.





