Gold Silver Rate Today : દિવાળીના તહેવાર ટાણે સોના ચાંદીના ભાવ રોકેટ ગતિએ ઉછાળી રહ્યા છે. તેમાય સોના કરતા ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોઇ લોકો સ્તબ્ધ થઇ ગયા છે. આજે સ્થાનિક બજારમાં ચાંદીમાં 5000 રૂપિયા અને સોનામાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આટલા ઉંચા ભાવે સામાન્ય વ્યક્તિ માટે સોના ચાંદીની ખરીદી એક સપનું બની ગઇ છે.
સોનું ₹ 1000 વધ્યું
દિવાળી પર સોનાની ખરીદી હવે એક સપનું બની ગઇ છે. સોમવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1000 રૂપિયા મોંઘુ થયું હતું. 24 કેરેટે 99.9 શુદ્ધ સોનાની કિંમત 1,29,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. પાછલા દિવસે સોનું 1,28,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.
તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,28,700 રૂપિા પ્રતિ 10 ગ્રામ થયો છે. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 1,26,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો.
ચાંદી ₹ 5000 ઉછળી
ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 5000 રૂપિયા ઉછળી હતી અને 1 કિલોનો ભાવ 1,75,000 રૂપિયા થયો છે.જે ચાંદીનો સૌથી ઉંચો ભાવ છે. પાછલા દિવસે 1 કિલો ચાંદી 1,70,000 રૂપિયા હતી. ચાંદી રુપુંની કિંમત 1,74,800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
મ્યુચ્યુઅલ ફંડોએ Silver ETFમાં નવા રોકાણ કેમ બંધ કર્યું?
ચાંદીના ભાવ કુદકે ભૂસકે વધતા મ્યચ્યુઅલ ફંડોએ સિલ્વર ઇટીએફમાં નવા રોકાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ફંડ હાઉસોનું કહેવું છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ઓછી સપ્લાયના કારણે ચાંદીની અછત સર્જાઇ છે. હાલ વૈશ્વિક બજારની તુલનાએ સ્થાનિક બજારમાં ચાંદીમાં 15 થી 18 ટકા જેટલું ઉંચું પ્રીમિયમ બોલાય છે. જેની સીધી અશર સિલ્વર ઇટીએફના યુનિટ (NAV) અને તેના રિટર્ન પર પડી છે. એટલે કે જો હાલના ભાવે રોકાણકારો નવું રોકાણ કરે છે તો તેમને નુકસાન થવાનું જોખમ છે.