Gold Silver Rate Today News In Gujarati : સોના ચાંદીમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ઘરઆંગણે સોનાના ભાવમાં 1500 રૂપિયા અને ચાંદીના ભાવમાં 5500 રૂપિયાની તેજી આવી છે. યુએસ શેરબજારમાં સતત ઘટાડો અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાને પગલે સોના ચાંદીના ભાવ વધ્યા છે. ભારતમાં લગ્નસરાની માંગ અને ડોલરમાં સ્થિરતાથી સોના ચાંદીના સતત ઘટી રહેલા ભાવને સપોર્ટ મળ્યો છે. ચાલો જાણીયે આજના સોના ચાંદીના ભાવ
સોનું 1500 ઉછળ્યું
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1500 રૂપિયા ઉછળ્યું હતું. 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,27,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે ગઇકાલે 1,26,000 રૂપિયા હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,25,700 રૂપિયાથી વધીને આજે 1,27,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 22 કેરેટ હોલમાર્ક સોનાનો ભાવ 1,24,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે.
ચાંદીમાં 5500 નો તીવ્ર ઉછાળો
સોના પાછળ ચાંદીમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદી 5500 રૂપિયા મોંઘી થઇ હતી. અમદાવાદમાં ચાંદી ચોરસાની કિંમત 1,61,500 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી, જે ગઇકાલે 1,56,000 રૂપિયા હતી. તો ચાંદી રૂપુંની કિંમત ગઇકાલના 1,55,800 રૂપિયા થી વધીને 1,61,300 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે.
હાજર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા હતા. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1200 રૂપિયા વધીને 1,23,830 રૂપિયા બોલાયો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 3790 રૂપિયા વધ્યો હતો અને 1 કિલોના ભાવ 1,58,410 રૂપિયા બોલાતો હતો.
સોના ચાંદીના ભાવ કેમ વધ્યા?
વૈશ્વિક બુલિયન બજારની તેજીના પગલે ભારતીયો બજારોમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા છે. શટડાઉન બાદ અમેરિકાના આર્થિક આંકડા જાહેર થઇ રહ્યા છે. અમેરિકાના ચિંતાજનક બેરોજગારીના આંકડા બાદ કિંમતી ધાતુમાં તેજી આવી છે. પાછલા અઠવાડિયાની તુલનામાં અમેરિકામાં બેરોજગારી વધીને 2,32,000 થઇ છે, જે અગાઉ 2,18,000 હતી. આમ નબળાં રોજગારી આંકડાથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડતા રોકાણકારો ફરી સેફ હેવન કહેવાતા સોના ચાંદી તરફ આકર્ષાયા છે.





