Gold Silver Price Today In Ahmedabad Gujarat : સોના ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઉછાળો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સતત ઘટી રહેલા સોના ચાંદીના ભાવમાં એકાએક વધારાથી રોકાણકારો પણ સ્તબ્ધ છે. આજે સોનામાં 3000 રૂપિયા અને ચાંદીમાં 6500 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લગ્નસરાની સીઝનમાં સોના ચાંદીના ભાવ વધતા સામાન્ય વ્યક્તિને મુશ્કેલી પડી રહી છે. ચાલો જાણીયે સોના ચાંદીના ભાવ વધવા પાછળના કારણ
સોનું ફરી 1,31,000 થયું
અમદાવાદમાં આજે સોનાના ભાવ 3000 રૂપિયા ઉછળ્યા છે અને 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,31,000 રૂપિયા થયો છે. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 1,28,000 રૂપિયા હતો. તેવી જ રીતે 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,27,700 રૂપિયાથી 3000 રૂપિયા વધીને 1,30,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,28,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદીમાં ₹ 6500 ઉછાળો
ચાંદી પણ ફરી મોંઘી થઇ છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 6500 રૂપિયા ઉછળ્યા હતા. આથી 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,66,000 રૂપિયા થઇ હતી, જે આગલા દિવસ 1,59,500 રૂપિયા હતી. તો રૂપું ચાંદીની કિંમત પણ 1,59,200 રૂપિયાથી 6600 રૂપિયા વધીને 1,65,800 રૂપિયા થઇ છે.
ડોલરમાં નબળાઇથી સોના ચાંદી ફરી ઉછળ્યા
યુએસ ડોલરમાં નબળાઇથી સોના ચાંદીના ભાવ ફરી ઉછળ્યા છે. અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું શટડાઉન આખરે સમાપ્ત થયું છે. અમેરિકાના નીતિ ઘડવૈયાઓએ હંગામી ફન્ડિંગ બિલ પસાર કર્યા બાદ યુએસ ડોલર નબળો પડ્યો છે. આથી વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે. હવે બજારની નજર શટડાઉન બાદ જાહેર થનાર અમેરિકાના આર્થિક આંકડાઓ પર રહેશે.
આ પણ વાંચો | ચાંદીના દાગીના પર મળશે સિલ્વર લોન, RBIના નિયમ જાહેર
વૈશ્વિક બજારમાં સોનું અડધો ટકો વધીને 4214 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું હતું. તો ભારતમાં બુલિયન વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ 900 રૂપિયાની તેજીમાં 127,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું હતું. તો એમસીએક્સ ચાંદી વાયદો 1500 રૂપિયા વધી 1,63,500 રૂપિયા ઉપર બોલાતું હતું.





