Gold Silver Rate Today Check Here : સોનું અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. કિંમતી ધાતુના ભાવ વધતા રોકાણકારો ખુશ છે જ્યારે ખરીદદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિશ્વ બજારમાં સોના ચાંદીમાં તેજીથી ભારતમાં પણ બંને કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આજે સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 74000 રૂપિયા થયા હતા. તો ચાંદીની કિંમત પણ ઐતિહાસિક ટોચે પહોંચી છે. જાણો સોનું ચાંદીના આજના ભાવ
સોનું 74000 ને પાર
સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના ભાવ 700 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 74200 રૂપિયા છે, જે સોનાનો નવો રેકોર્ડ હાઇ ભાવ છે. ગઇ કાલે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 73500 રૂપિયા હતો. આ સાથે એપ્રિલ મહિનામાં પ્રતિ 10 ગ્રામ સોનું 3700 રૂપિયા મોંઘુ થયુ છે. 30 માર્ચ, 2024ના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 70500 રૂપિયા હતો.

ચાંદી રેકોર્ડ હાઇ, 1 કિલોનો ભાવ 82000 રૂપિયા
સોનાની જેમ ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 82000 રૂપિયા થયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. એપ્રિલમાં ચાંદી 6000 રૂપિયા મોંઘી થઇ છે. 30 માર્ચ, 2024ના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 76000 રૂપિયા હતી.
એપ્રિલ મહિનામાં સોના – ચાંદીના ભાવ પર એક નજર
તારીખ સોનું ચાંદી 1/4/2024 71000 75500 2/4/2024 71000 76000 3/4/2024 71700 78500 4/4/2024 72200 79000 5/4/2024 72200 80000 6/4/2024 73000 81000 8/4/2024 73500 81000 9/4/2024 74200 82000
આ પણ વાંચો | જૂનો ફ્લેટ વેચવાથી થયેલા નફા પર કેટલો ટેક્સ લાગે છે? નવું મકાન ખરીદવા પર કર મુક્તિ મળશે?
વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વર રેકોર્ડ હાઇ લેવલની નજીક ટ્રેડ કરી રહ્યા છે. યુએસ ફેડ દ્વારા રેટ કટની અપેક્ષા, ભૂરાજકીય તણાવ અને વિવિધ દેશોની મધ્યસ્થ બેંક દ્વારા સોના ની ખરીદીથી ગોલ્ડને સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું સાધારણ વધીને 2343 ડોલર અને યુએસ ગોલ્ડ ફ્યૂચર અડધો ટકો વધીને 2362 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતુ હતુ. તો ચાંદી નરમાઈ સાથે 27.81 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.





