Gold Silver Rate Down vs Share Market Sensex Nifty Up : સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. અખાત્રીજ પહેલા ભાવમાં ધરખમ ઘટાડાથી લોકોને ફરી સસ્તુ સોનું ચાંદી ખરીદવાનો મોકો મળ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં એક જ દિવસમાં સોનામાં 1200 રૂપિયા અને ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. વૈશ્વિક બજારમાં બે સપ્તાહની નીચી સપાટી અને ઉંચા ભાવ માંગના અભાવે છેલ્લા બે દિવસમાં ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે.
સોનું 1200 રૂપિયા તૂટ્યું
સોનાના ભાવ છેલ્લા બે દિવસથી સતત ઘટી રહ્યા છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનું 1200 રૂપિયા ઘટ્યું હતું. આમ 99.9 શુદ્ધ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 74000 રૂપિયા થયો છે. તો 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 73800 રૂપિયા છે. આ સાથે બે દિવસમાં સ્થાનિક બજારમાં સોનું 2300 રૂપિયા સસ્તુ થયું છે. તમને જણાવી દઇયે કે, 20 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 76300 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.

ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો
સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાયો છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદી 2500 રૂપિયા તૂટી હતી. આમ 1 કિલો ચાંદીનો ભાવ 80500 રૂપિયા થયો છે. તો બે દિવસમાં ચાંદીમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો છે. ઉલ્લેખનિય છે કે, 16 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 74000 રૂપિયા ઓલટાઇમ હાઇ થઇ હતી. આમ હાલ રેકોર્ડ હાઇ લેવલથી ચાંદી 3500 રૂપિયા સસ્તી થઇ છે.
સોના – ચાંદી ની કિંમત ઘટી રહી છે?
સોનું ચાંદી સસ્તા થવાથી અખાત્રીજે કિંમતી ધાતુ ખરીદનારને થોડીક રાહત મળવા સંભવ છે. વૈશ્વિક બજારમાં સોનું હાલ બે સપ્તાહ કરતા વધુ નીચી સપાટીએ ઉતરી ગયું છે. બુલિયનની કિંમત ઘટવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની ચિંતા હળવી થતા સોનાની સેફ હેવન ડિમાન્ડ નબળી પડી છે. તો યુએસ ફેડ રિઝર્વ હવે સપ્ટેમ્બરમાં રેટ કટ કરે તેવી સંભાવના છે, પરિણામે યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં તેજી છે.
વિશ્વ બજારમાં સોનું બે સપ્તાહ ને તળિયે
વિશ્વ બજારમાં સોનું 1 ટકા ઘટીને 2304 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ છે, જે બે સપ્તાહથી વધુ નીચી સપાટી છે. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.2 ટકા ઘટી 2318 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. નોંધનિય છે કે, 12 એપ્રિલના રોજ વૈશ્વિક સોનુ 2431.29 ડોલર ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. વિશ્વ બજારમાં હાજર ચાંદી 1 ટકા ઘટીને 26.92 ડોલર અને પ્લેટિનમ 0.7 ટકા ઘટીને 911.10 ડોલર અને પેલેડિયમ 1.1 ટકા ઘટી 997.75 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.

શેરબજારમાં સુધારો યથાવત
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આગળ વધ્યો હતો. બીએસઇ સેન્સેક્સ 90 પોઇન્ટ વધી 73738 અને એનએસઇ નિફ્ટી 31 પોઇન્ટ વધી 22368 બંધ થયા હતા. ટેલિકોમ, ઓટો અને આઈટી શેરમાં સુધારાથી સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો હતો. બીએસઇની માર્કેટકેપ વધીને 399.64 લાખ કરોડ રૂપિયા થઇ હતી.





