Gold Silver Price Today: સોના ચાંદી રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા બાદ સતત ઘટી રહ્યા છે. બે દિવસમાં સોનાનો ભાવ 600 રૂપિયા અને ચાંદીનો ભાવ 6000 રૂપિયા ઘટ્યા છે. કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચતા સોના ચાંદીમાં માંગ ઘટી છે. એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદા પણ ઘટ્યા છે. જાણો આજે અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ કેટલો છે.
સોનું સતત બીજા દિવસે ઘટ્યું
સોનું રેકોર્ડ તેજી બાદ સતત બે દિવસથી ઘટી રહ્યું છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 400 રૂપિયા ઘટ્યું હતું. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત 93400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 22 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 93500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તમને જણાવી દઇયેકે, 1 એપ્રિલ, 2025ના રોજ સ્થાનિક બજારમાં સોનાના ભાવ 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. આમ છેલ્લા બે દિવસમાં સોનાના ભાવ 600 રૂપિયા ઘટ્યા છે.
ચાંદીમાં 6000 રૂપિયાનો કડાકો
સોના પાછળ ચાંદી પણ ઘટી રહ્યું છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં આજે ચાંદી 3500 રૂપિયા સસ્તી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96000 રૂપિયા થઇ છે. જે ઐતિહાસિક ટોચથી ચાંદીના ભાવથી 6000 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. તમને જણાવી દઇયે કે, 28 માર્ચના રોજ અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,01,000 રૂપિયા રેકોર્ડ બોલાયો હતો.
હાજર બજારની જેમ વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. એમસીએક્સ ગોલ્ડ 950 રૂપિયાના ઘટાડે 90000 રૂપિયાની નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો ચાંદી વાયદામાં 4000 રૂપિયાનો કડાકો બોલાયો છે. એમસીએક્સ ચાંદી મે વાયદો 95800 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહી છે. વૈશ્વિક બજારની વાત કરીયે તો, ગોલ્ડ જૂન ફ્યૂચર કોન્ટ્રાક્ટ 0.64 ટકા વધીને 3166 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ટ્રેડ કરી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરી માર્ચ દરમિયાન સોનાના ભાવ 18 ટકા વધ્યા છે, જે 40 વર્ષની સૌથી મોટી તેજી છે. તો વર્ષ 2024માં નિફ્ટીમાં 8.7 ટકા રિટર્ન સામે સોનામાં 20 ટકા જેટલું આકર્ષક વળતર મળ્યું હતું. પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતા ચાલુ વર્ષે સોનામાં તેજી અકબંધ રહેવાની આગાહી કરવામાં આવી છે.





