/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Gold-Price-News.jpg)
Gold Price News : સોનું કિંમત ધાતુ છે. (Photo: Freepik)
Gold Silver Price In Gujarati : સોનાના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. તાજેતરમાં સ્થાનિક બજારમા ચાંદી 1.90 લાખ રૂપિયાની નજીક ઓલટાઇમ હાઇ થઇ હતી. જો કે વૈશ્વિક બુલિયન બજારમાં નરમાઇ, ડોલરમાં મજબૂતી અને ઉંચા ભાવ ખરીદીના અભાવથી સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. હાજર બજારની સાથે સાથે એમસીએક્સ વાયદા બજારમાં પણ સોના ચાંદી ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા હતા.
સોનું 1800 રૂપિયા સસ્તુ થયું
સોનાના ભાવ 1800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યા છે. સોમવારે અમદાવાદના બુલિયન બજારમાં 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 1,37,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે મંગળવારે 1,35,700 રૂપિયા થયો છે. એટલે કે એક દિવસમાં સોનું 1800 રૂપિયા સસ્તું થયું છે. તો 23 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 1,35,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 10 ગ્રામ હોલમાર્ક સોનાનો ભાવ 1,32,985 રૂપિયા થયો છે. સ્થાનિક બજારમાં ચાંદી રેકોર્ડ હાઇ 1,90,000 રૂપિયા પ્રતિ 1 કિલોના ભાવે સ્થિર રહી હતી.
એમસીએક્સ ગોલ્ડ સિલ્વર ઘટ્યા
એમસીએક્સ સોના ચાંદી વાયદા નોંધપાત્ર ઘટ્યા છે. એમસીએક્સ સોનાનો ફેબ્રુઆરી વાયદો 552 રૂપિયા ઘટીને 1,33,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 1000 રૂપિયા ઘટ્યો અને 1 કિલોનો ભાવ 1,96,800 રૂપિયા આસપાસ બોલાયો હતો.
આની પહેલા સોમવારે એમસીએક્સ પર ફેબ્રુઆરી ગોલ્ડ કોન્ટ્રાક્ટ રેકોર્ડ 1,35,496 રૂપિયા સુધી વધ્યો હતો, પરંતુ ટ્રેડિગ સેશનના અંતે 0.33 ટકા વધી 1,34,061 રૂપિયા બંધ થયો હતો. તો ચાંદીનો માર્ચ એક્સપાયરી વાયદો 2.7 ટકા ઉછળી 1,98,049 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
વૈશ્વિક બુલિયન બજારમાં સોનું એકંદરે સ્થિર હતું. યુએસ ડોલર બે મહિનાની નીચી સપાટીએ જતા વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની રેકોર્ડ હાઇ નજીક મજબૂત હતું. રોકાણકારોની નજર હવે અમેરિકાના જોબ ડેટા પર છે. આ રિપોર્ટ ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસીની ભાવી દિશા નક્કી કરશે. CME ના ફેડવોચ ટૂલના મતે યુએસ ફેડ દ્વારા જાન્યુઆરીમાં 0.25 ટકા રેટ કટની સંભાવના 76 ટકા જેટલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us