બજેટમાં સરકારે સોના- ચાંદી પરના ટેક્સમાં વધારો કરતા સ્થાનિક બજારમાં પીળી કિંમતી ધાતુઓના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 60,000 રૂપયાને કુદાવીને સતત બીજા દિવસે ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા હતા. સોનાની પાછળ પાછળ ચાંદીમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 71,000 રૂપિયાને કુદાવી ગઇ હતી.
અત્રે નોંધનિય છે કે, સરકારે બજેટ 2023-24માં સોના, ચાંદી અને પ્લેટિનમ પર આડકતરી રીતે અસરકારક ટેક્સમાં વધારો કરતા સ્થાનિક બજારમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે.
સોનું 60,500 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે
બજેટ બાદ સતત બીજા દિવસે ભારતમાં સોનાના ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 2 ફેબ્રુઆરી, 2023ના રોજ 99.9 શુદ્ધ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 60,000 રૂપિયાની સપાટીને કુદાવીને 60,500 રૂપિયાના નવા વિક્રમી ઉંચા સ્તરે પહોંચ્યા હતા. ગઇકાલ 1 ફેબ્રુઆરીના રોજ પણ સોનાએ 59,500 રૂપિયાની ઉંચી સપાટી બનાવી હતી. નોંધનિય છે કે, દિવાળી બાદથી સ્થાનિક બજારમાં સોનાની કિંમત સતત વધી રહી છે. માત્ર બે દિવસમાં સોનું 1900 રૂપિયા મોંઘુ થયુ છે. તો ચાલુ કેલેન્ડર વર્ષ 2023માં સોનાના ભાવમાં 3900 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

ચાંદી 2000 રૂપિયા ઉછળીને 71,500 રૂપિયા થઇ
સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવ પણ રોકેટ ગતિથી વધી રહ્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીમાં 2000 રૂપિયાનો ઉછાળો નોંધાયો અને પ્રતિ 1 કિગ્રાની કિંમત 71,000 રૂપિયાની સપાટી કુદાવીને 71,500 રૂપિયા થયા હતા. આ સાથે માત્ર બે દિવસમાં ચાંદીમાં 4000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
વૈશ્વિક બજારમાં સોના – ચાંદી મક્કમ
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં ફરી 0.25 ટકાનો વધારો કરવા છતાં સોના – ચાંદીના ભાવ મક્કમ રહ્યા છે. જેમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1956 ડોલર અને ચાંદી 24.15 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
આ પણ વાંચોઃ બજેટમાં સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરનો ટેક્સ વધાર્યો, જાણો હવે કેટલો ટેક્સ લાગશે
સોના-ચાંદીના ભાવ વધવા પાછળના કારણો
- આર્થિક મંદીની દહેશત વચ્ચે સોનાની સેફ-હેવન માંગ વધી
- શેરબજાર અને બિટકોઇનમાં મંદી વચ્ચે રોકાણકારોની સોના તરફ દોટ
- ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીનો વપરાશ વધવાની અપેક્ષા
- યુએસ ફેડ રિઝર્વના રેટ-હાઇક વચ્ચે ડોલર અને બોન્ડમાં નરમાઇ
- દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી
- ભારતમાં સરકારે સોના-ચાંદી પરના અસરકારક ટેક્સમાં વધારો
- ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- ભારતમાં લગ્નસરાની માંગથી સોના-ચાંદીનું વેચાણ વધ્યું