સોના ભાવ સતત ઘટીને હાલ 1 મહિના કરતા પણ નીચી સપાટીએ ઉતરી જતા લોકોને નીચા ભાવ કિંમતી પીળી ધાતુ ખરીદવાનો મોકો મળ્યો છે. સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, શુક્રવારે સ્થાનિક ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ ઘટીને 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચી જતો રહ્યો હતો. તો શુદ્ધ ચાંદીમાં પણ પોણા બે મહિનાની સૌથી નીચો ભાવ બોલાયો છે. સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બુલિયન બજારની નરમાઇ મનાય છે.
સોનું 58,000ની નીચે, ચાંદી 66,000 થઇ
અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 400 રૂપિયા ઘટીને 57,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે 12 જાન્યુઆરી પછીનો સૌથી નીચો ભાવ છે. છેલ્લે 12 જાન્યુઆરીના રોજ સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 57,700 રૂપિયા બોલાયો હતો. 99.5 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 57,600 રૂપિયા હતો.
સોનાની પાછળ ચાંદી પણ તેની ચમક ગુમાવી રહી છે. શુક્રવારે અમદાવાદના ઝવેરી બજારમાં શુદ્ધ ચાંદી ચોરસાનો ભાવ 66,000 રૂપિયા બોલાયો હતો, જે 22 ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે.

ઐતિહાસિક ટોચથી સોનું 2700 રૂપિયા સસ્તુ થયું
કિંમતી ધાતુ સોનું ફેબ્રુઆરીના આરંભમાં ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યા બાદ સતત ઘટી રહી છે. નોંધનીય છે કે, બજેટ 2023-24માં સોના અને ચાંદીની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરાયા બાદ 2 ફેબ્રુઆરી,2023ના રોજ અમદાવાદમાં સોનાની કિમત વધીને પ્રથમવાર 60,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ઉંચા ભાવે સ્થાનિક બજારમાં દાગીનાની ખરીદી મંદ પડવાથી અને વૈશ્વિક બુલિયન બજારની નરમાઇને પગલે ઘરઆંગણે સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. જેમાં 17 ફેબ્રુઆરી, 2023 શુક્રવારના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 57,800 રૂપિયા થઇ છે. આમ બે પખવાડિયાની અંદર 60,500 રૂપિયાની ઐતિહાસિક ટોચથી સોનું 5700 રૂપિયા સસ્તું થયું છે.
ચાંદી 5500 રૂપિયા સસ્તી થઇ
સોનાની જેમ ચાંદીના ભાવ પણ છેલ્લા બે પખવાડિયામં નોંધપાત્ર ઘટ્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 1 કિગ્રા હતી, જે 17 ફેબ્રુઆરીના રોજ 66,000 રૂપિયા થઇ છે. આમ છેલ્લા બે પખવાડિયામાં ચાંદી પ્રતિ એક કિગ્રા દીઠ 5500 રૂપિયા સસ્તી થઇ છે.
આ પણ વાંચોઃ બજેટમાં સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરનો ટેક્સ વધાર્યો, જાણો હવે કેટલો ટેક્સ લાગશે
વૈશ્વિક બજારમાં શું છે સોના-ચાંદીના હાલ?
અમેરિકામાં પ્રોત્સાહક ઇકોનોમિક ડેટા યુએસ ફેડ રિઝર્વને આગામી સમયમાં વ્યાજદર વધારવા પ્રેરિત કરી શકે છે તેવા સેન્ટિમેન્ટથી વૈશ્વિક બજારમાં સોનું 1825 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની નીચે બોલાઇ રહ્યું છે. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 21.29 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો.