Gold Silver Price Today News : સોના ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં તેજી અને તહેવારોની ઘરાકીની અપેક્ષાએ સોનાના ભાવમાં એક જ દિવસમાં 1300 પોઇન્ટ ઉછળી નવી ઊંચાઇએ પહોંચ્યા છે. સોના પાછળ ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં સોના ચાંદીના 35 ટકા જેટલા વધ્યા છે. જેના કારણે નવરાત્રી અને દિવાળીમાં સોના ચાંદી ખરીદવા લોકોએ વધારે રૂપિયા ખર્ચવા પડશે.
સોનું 1300 રૂપિયા ઉછળી 1,15,000 રૂપિયા નજીક
સોનાના ભાવમાં એક જ દિવસમાં 1300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. અમદાવાદના ઝવેરી બજારમાં મંગળવારે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 1,14,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે આગલા દિવસે 24 કેરેટ સોનાનો ભાવ 1,13,500 રૂપિયા હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 1,13,200 રૂપિયાથી વધીને મંગળવારે 1,14,500 રૂપિયા થઇ છે.
સપ્ટેમ્બર મહિનામાં સોના ભાવ નોંધપાત્ર વધ્યા છે. 30 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 1,06,700 રૂપિયા હતી. જે 16 સપ્ટેમ્બરે વધીને 1,14,800 રૂપિયા થઇ છે. આમ 16 દિવસમાં 10 ગ્રામ સોનું 8100 રૂપિયા મોંઘુ થયું છે.
ચાંદી 1500 રૂપિયા ઉછળી
મંગળવારે ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. અમદાવાદના ઝવેરી બજારમાં મંગળવારે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,31,500 રૂપિયા બોલાઇ હતી, જેનો ભાવ આગલા દિવસે 1,30,000 હતો. આમ 1 કિલો ચાંદી રૂપુંની કિંમત 1,31,300 રૂપિયા થઇ છે. 30 ઓગસ્ટે, 2025ના રોજ 1 કિલો ચાંદીનો ભાવ 1,19,500 રૂપિયા હતો. આમ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ચાંદી 12000 રૂપિયા મોંઘી થઇ છે.
US Fed રેટ કટની અપેક્ષાથી બુલિયન માર્કેટમાં તેજી
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટવાની પ્રબળ સંકેતના પગલે સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત રહી છે. વૈશ્વિક બજારમા સોનાનો ભાવ 3700 ડોલર પ્રતિ ટ્રોંય ઔંસની ટોચે પહોંચ્યો છે. તો ચાંદીની કિંમત 14 વર્ષની નવી ઉંચી સપાટીને સ્પર્શી છે. 17 સપ્ટેમ્બરે યુએસ ફેડ રિઝર્વની પોલિસી મિટિંગની સમીક્ષા જાહેર થશે. જો યુએસ ફેડ વ્યાજદર ઘટાડે તો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.





