Gold Silver price today : સોનું ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ ઘટતા ભારતમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ અઢી મહિના બાદ 61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતા રહ્યા છે. તો ચાંદીમાં પણ 1500 રૂપિયાનો કડાકો બોલાયો છે. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક બજારમાં 4 માર્ચે સોનું 63500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પ્રતિ 1 કિગ્રા 76500 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા હતા.
સોનું અઢી મહિના બાદ 61,000ની નીચે
વૈશ્વિક બુલિયન માર્કેટની નરમાઇને પગલે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ તૂટીને અઢી મહિના બાદ 61000 રૂપિયાના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની નીચે જતા રહ્યા છે. 15 જૂને અમદાવાદા ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 60,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે તેના આગલા દિવસના ભાવ કરતા 500 રૂપિયા ઓછો છે. 14 જૂને સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 61,300 રૂપિયા હતી. સ્થાનિક બજારમાં છેલ્લે 28 માર્ચના રોજ સોનાનો ભાવ 61000 રૂપિયાની નીચે બોલાયો હતો. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનાનો ભાવ પણ 500 રૂપિયા ઘટીને 60,600 રૂપિયા થયો હતો.
ચાંદીમાં 1500 રૂપિયાનો કડાકો
સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવ પણ તૂટ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી ચોરસાના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાયો અને પ્રતિ એક કિલોનો ભાવ 71500 રૂપિયા થયો હતો, જે છેલ્લા બે સપ્તાહનો સૌથી નોચો ભાવ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 73000 રૂપિયા હતો.
અમેરિકાની ફેડ બેંકે વ્યાજદર સ્થિર રાખ્યા
સોના-ચાંદીમાં નરમાઇ માટે અમેરિકાની ફેડ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય પણ જવાબદાર છે. યુએસ ફેડ રિઝર્વે બુધવારે તેની ધિરાણનીતિમાં વ્યાજદરમાં વૃદ્ધિ કરવાનું ટાળ્યુ છે, જે લગભગ દોઢ વર્ષમાં પ્રથમ વાર છે. મોંઘવારીને ડામવા યુએસ ફેડ રિઝર્વ છેલ્લા દોઢ વર્ષથી વ્યાજદરોમાં સતત વૃદ્ધિ દરી કરી રહી જેના પરિણામે ડોલર ઇન્ડેક્સ, યુએસ બોન્ડની યીલ્ડ વધી રહી હતી. જો કે સામે વૈશ્વિક આર્થિક મંદીની ભૂ-રાજકીય તણાવના પગલે સેફ હેવન ગણાતા સોનાના ભાવ સતત વધી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગોલ્ડ લોન : તાત્કાલિક ઉછીના નાણા મેળવવાની એક સ્માર્ટ અને સુરક્ષિત રીત
આજે વિશ્વ બજારમાં સોનાનો ભાવ 10.25 ડોલર ઘટીને 1935 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહ્યો હતો. તો ચાંદી અડધો ડોલરની નરમાઇમાં 23.50 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. યુએસ ફેડના રેટ હાઇક મામલે નરમ વલણ બાદ સોના ચાંદીના ભાવ વધુ ઘટે તો ભારતીય બજારમાં પણ કિંમત નીચે જઇ શકે છે.





