Gold Price All Time High : સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. માર્ચ મહિનામાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. પરિણામ સ્થાનિક બજારમાં સોનાના ભાવ પહેલીવાર 70000 રૂપિયાની ઉપર ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સરળ શબ્દોમાં કહીયે તો શેરબજારના રોકાણકારો રડ્યા છે પણ જેમણ સોનામાં રોકાણ કર્યું છે તેમને 10 ટકા રિટર્ન મળ્યું છે.
10 ગ્રામ સોનાની કિંમત 70500 રૂપિયા
સોનામાં માર્ચ મહિના દરમિયાન ઐતિહાસિક તેજી જોવા મળી છે. અમદાવાદના ઝવેરી બજારમાં 29 માર્ચ, 2024ના રોજ સોનામાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાની કિંમત 70500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઊંચો ભાવ છે. તો આગલા દિવસે 10 ગ્રામ સોનાની કિંમત 69500 રૂપિયા હતી. તો 90.5 શુદ્ધ સોનાની કિંમત ગઇકાલના 69300 રૂપિયાથી વધીને 70300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે.

સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદી 1500 રૂપિયા મોંઘી થઇ છે. આ સાથે 1 કિગ્રા ચાંદીની કિંમત 75500 રૂપિયા થઇ છે, જ્યારે આગલા દિવસે કિંમત 74500 રૂપિયા થઇ હતી.
દિલ્હીના ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 350 રૂપિયા વધીને 67350 રૂપિયા થઇ છે. તો 1 કિગ્રા ચાંદીની કિંમત 200 રૂપિયા વધીને 77450 રૂપિયા થઇ છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2235 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ થયુ છે. તો કોમેક્સ ગોલ્ડ 2250 ડોલર અને કોમેક્સ સિલ્વર 25 ડોલર પ્રતિ ટ્રોસ બોલાઇ રહ્યું છે.
માર્ચ મહિનામાં સોનું 6300 રૂપિયા મોંઘુ થયું
માર્ચ મહિનામાં સોનાની કિંમત સતત ઐતિહાસિક ટોચે પહોંચી છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 64200 રૂપિયા હતી, જે વધીને 29 માર્ચ, 2024ના રોજ 70500 રૂપિયા થઇ છે. આમ માર્ચ મહિનામાં 10 ગ્રામ સોનું 6300 રૂપિયા મોંઘુ થયુ છે. બીજા શબ્દોમાં કહીયે તો સોનાના રોકાણકારોને માર્ચ મહિનામાં 10 ટકા રિટર્ન મળ્યું છે.

તેવી જ રીતે માર્ચ મહિનામાં 1 કિલો ચાંદીની કિંમત 4500 રૂપિયા મોંઘી થઇ છે. ટકાવારીની રીતે ચાંદીમાં 6.3 ટકા રિટર્ન મળ્યું છે. એક રીતે જોઇએ તો 10 ગ્રમ સોના અને કિલો ચાંદીની કિંમત વચ્ચેનો ભાવ તફાવત હાલ માત્ર 5000 રૂપિયા છે.
સોના – ચાંદીના ભાવ અને વળતર
વિગત સોનું ચાંદી 29/2/2024 64200 71000 29/3/2024 70500 75500 વધારો +6300 +4500 રિટર્ન +10% +6.3%
આ પણ વાંચો | મશરૂમ માંથી મળશે સોનું, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો; જાણો ભારતમાં આ મશરૂમ ક્યાં ઉગે છે ?
વર્ષમાં સોનું 9000 અને ચાંદી 3500 રૂપિયા મોંઘા થયા
જો વાર્ષિક ધોરણે ગણતરી કરીયે તો નાણાંકીય વર્ષ 2023-24માં 10 ગ્રામ સોના ની કિંમત 9000 રૂપિયા વધી છે. તો 1 કિગ્રા ચાંદીના ભાવ 3500 રૂપિયા વધ્યા છે. 31 માર્ચ, 2023ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 61500 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીની કિંમત 72000 રૂપિયા હતી.





