Gold Silver Rate Down Ahead Of Akshaya Tritiya : અખાત્રીજ પહેલા જ સોનું અને ચાંદી સસ્તા થયા છે. આજ સોનામાં 900 રૂપિયાનો કડાકો બોલાયો છે. લગભગ એક સપ્તાહ બાદ પહેલીવાર સોનાના ભાવ ઘટ્યા છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ નરમ પડી છે. તો બીજી બાજુ શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. કિંમતી ધાતુના ભાવ ઘટતા લોકોને અખાત્રીજ પહેલા સસ્તું સોનું – ચાંદી ખરીદવાનો મોકો મળશે.
સોનામાં કડાકો, 10 ગ્રામનો ભાવ 75500ની નીચે
સોનાના ભાવ સતત ઐતિહાસિક તેજી બાદ પહેલીવાર કડાકો બોલાયો ે છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 900 રૂપિયા સસ્તુ થયુ હતુ. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 75200 રૂપિયા થયો છે. જે 16 એપ્રિલ, 2024 પછીનોસૌથી નીચો ભાવ છે. નોંધનિય છે કે, 20 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત ઇતિહાસમાં પહેલીવાર 76300 રૂપિયા થઇ હતી, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ 99.5 શુદ્ધ સોનાની કિંમત 75000 રૂપિયા થઇ છે.

બે દિવસમાં ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ
સોનાની પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા ઘટી હતી. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત 83000 રૂપિયા થઇ છે. આ સાથે બે દિવસમાં ચાંદી 1000 રૂપિયા ઘટી છે. 19 એપ્રિલે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 84000 રૂપિયા હતો.
ભારતના મુખ્ય શહેરોના ભાવ પર નજર કરીયે તો દિલ્હીમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 74380, મુંબઇમાં 74230, ચેન્નઇમાં 75100 અને કલકત્તામાં 74230 રૂપિયા છે.
સોનું – ચાંદીની કિંમત કેમ ઘટી
સોનું ચાંદી ની કિંમત ઘટવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની ચિંતાઓ હળવી થતા સોનાનુ સેફ હેવન માંગ નબળી પડી છે. જેની અસરે સોના – ચાંદીની કિંમત ઘટી છે. વિશ્વ બજારમાં હાજર સોનું 1.2 ટકા ઘટ્યો હતો અને પ્રતિ ટ્રોય ઔંસ દીઠ સોનાની કિંમત 2362 ડોલર હતી. યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.6 ટકા ઘટી 2376 ડોલર બોલાયું હતું.





