Gold Silver Rate Today: સોના- ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. સોનાના ભાવ તેની ઐતિહાસિક ટોચેથી નોંધપાત્ર ઘટ્યા છે. તો સોનાની પાછળ પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. હાલ દેશભરમા લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે સોના-ચાંદીની કિંમત ઘટતા લોકોને થોડીક રાહત મળી શકે છે. હાલ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 65000 રૂપિયા અને ચાંદી 75000 રૂપિયાની નીચે છે.
સોનું 3 દિવસમાં 1300 રૂપિયા સસ્તુ થયું (Gold Rate Today)
સોનાના ભાવ સતત ત્રણ દિવસથી ઘટી રહ્યા છે. અમદાવાદના માણેકચોક સોના-ચાંદી બજારમાં બુધવારે સોનું 100 રૂપિયા સસ્તુ થયુ હતુ. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 64200 રૂપિયા થયો હતો. આમ છેલ્લા દિવસમાં 10 ગ્રામ સોનાની કિંમત 1300 રૂપિયા ઘટી ગઇ છે. નોંધનિય છે કે, 2 ડિસેમ્બર, 2023ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 65,500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.

ચાંદી 2000 રૂપિયા સસ્તી થઇ (Silver Rate Today)
સોનાની પાછળ પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. સ્થાનિક ઝવેરી બજારમાં પ્રતિ 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ સતત બીજા દિવસે 75000 રૂપિયા સ્થિર રહ્યો હતો. ત્રણ દિવસ અગાઉ 1 કિલો ચાંદીનો ભાવ 77000 રૂપિયા હતો. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી 2000 રૂપિયા સસ્તી થઇ છે.
દેશના અન્ય બુલિયન બજારોની વાત કરીયે તો બુધવારે દિલ્હીમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત સાધારણ ઘટીને 62266 રૂપિયા થઇ છે, જે મંગળવારે 62287 રૂપિયા હતી. તો ચાંદી ચોરસાની કિંમત મંગળવારના 74383 રૂપિયાથી નજીવી વધીને બુધવારે 74430 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે.

આ પણ વાંચો | સેન્સેક્સ નવી ટોચે, નિફ્ટી 21000 તરફ અગ્રેસર; 3 દિવસમાં રોકાણકારોને ₹ 11.26 લાખ કરોડની કમાણી
વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના વાયદાના ભાવમાં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી જ્યારે ચાંદી નરમ રહી હતી, પરંતુ પાછળથી તેના ભાવ પણ વધ્યા હતા. કોમેક્સ ખાતે સોનું અગાઉના 2,036 ડોલર બંધ ભાવ સામે બુધવારે 2,037.80 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું હતુ. સાંજે ગોલ્ડ ફ્યૂચર 4.10 ડોલરના વધારા સાથે 2,040.40 ડોલર પ્રતિ ઔંસ ટ્રેડ થઇ રહ્યુ હતુ. તો કોમેક્સ સિલ્વર અગાઉના 24.54 ડોલરના બંધ ભાવ સામે બુધવારે 24.53 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ખુલ્યુ હતુ. સાંજે ચાંદી નજીવી વધીને 24.62 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી.





