Gold Silver Bullion Market latest Rate : શ્રાવણ મહિનામાં ઓછી કિંમતે સોનું- ચાંદી ખરીદવાનો વધુ એક મોકો આવ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટીને એક મહિનાથી પણ નીચા સ્તરે જતા રહ્યા છે. ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં 10 ગ્રામ દીઠ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો હતો. વૈશ્વિક બુલિયન બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટવાથી ભારતમાં સોના-ચાંદી સસ્તા થયા છે.
સોનું 1 મહિનાને તળિયે (Gold Price One Month Low)
વિશ્વ બજારની નરમાઇ પાછળ ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 17 ઓગસ્ટ, 2023ના રોજ સોનું 300 રૂપિયા સસ્તુ થયુ હતુ. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 60,500 રૂપિયા થઇ હતી, જે છેલ્લા 35 દિવસનો સૌથી નીચો ભાવ છે. સ્થાનિક બુલિયન બજારમાં છેલ્લે 10 જુલાઇના રોજ સોનાની કિંમત 60,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઇ હતી.
ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ
સોનાની પાછળ પાછળ ચાંદીના પણ ભાવ ઘટ્યા છે. અમદાવાદના બુલિયન બજારમાં છેલ્લા 3 દિવસથી ચાંદીના ભાવ 71,500 રૂપિયા પ્રતિ એક કિગ્રા છે. આ સાથે ઓગસ્ટ મહિનામાં ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ છે. 31 જુલાઇ, 2023ના રોજ સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 74,500 રૂપિયા હતી.
ભારતના અન્ય ઝવેરી બજારમાં પણ સોના-ચાંદીના ભાવ તૂટ્યા (Gold Silver Price Today)
વિશ્વ બજારોમાં નબળા સંકેતો વચ્ચે ગુરુવારે દિલ્હી ઝવેરી બજારમાં સોનું રૂ. 300 ઘટીને રૂ. 59,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. અગાઉના દિવસે પીળી કિંમતી ધાતુની કિંમત 59,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તો ચાંદી પણ 300 રૂપિયા ઘટીને 72,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ 5 મહિનાના નીચા સ્તરે (Bullion Market Rate)
HDFC સિક્યોરિટીઝ રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, ગુરુવારે દિલ્હીમાં હાજર સોનાના ભાવ ઘટીને રૂ. 59,300 પ્રતિ 10 ગ્રામ થયા હતા, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 300 ઓછા છે. વૈશ્વિક બજારોમાં, સોનું અને ચાંદી બંને અનુક્રમે 1,895.5 ડોલર પ્રતિ ઔંસ અને 22.65 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે તાજેતરના સારા આર્થિક આંકડા બાદ યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો છે, જેની અસરે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે.
આ પણ વાંચો | ગોલ્ડ લોન : તાત્કાલિક ઉછીના નાણા મેળવવાની એક સ્માર્ટ અને સુરક્ષિત રીત
ગુરુવારે વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ. 166 ઘટીને રૂ. 58,515 પ્રતિ 10 ગ્રામ થયા હતા અને તેનું કારણ સટોડિયાઓ દ્વારા તેમની પોઝિશનમાં ઘટાડો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ઓક્ટોબર ડિલિવરી કોન્ટ્રેક્ટ 13,537 લોટના વેપાર સાથે રૂ. 166 અથવા 0.28 ટકા ઘટીને રૂ. 58,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્ક ગોલ્ડ ફ્યૂચર 0.12 ટકા ઘટીને 1,926 ડોલર પ્રતિ ઔંસ બોલાઇ રહ્યુ હતુ.





