Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવ દરરોજ ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. પહેલી વાર એમસીએક્સ ચાંદી વાયદાના ભાવ 1.09 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી રોકાણકારો સેફ હેવન કોમોડિટી તરફ ફંટાયા છે, જેના કારણે સોના ચાંદીના ભાવ મજબૂતી સાથે રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. ઘરઆંગણે આજે સોનાના ભાવ 400 રૂપિયા અને ચાંદીના ભાવ 500 રૂપિયા વધી ઓલટાઇમ હાઇ થયા હતા.
સોનું ચાંદી રેકોર્ડ હાઇ
સોના ચાંદી દરરોજ રેકોર્ડ હાઇ ભાવ બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે સોનું 400 રૂપિયા વધ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. 23 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,02,100 રૂપિયા થયો હતો. ઉલ્લેખનિય છે કે, 13 જૂન, 2025ના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ 1,03,000 રૂપિયા રેકોર્ડ હાઇ થયો હતો.
આજે અમદાવાદમાં ચાંદીના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,07,500 રૂપિયા થઇ હતી, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. ચાંદી રૂપુંની કિંમત 1,07,200 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
એમસીએક્સ ચાંદી વાયદો ઐતિહાસિક ટોચે
આજે વાયદા બજારમા ચાંદીના ભાવ પહેલીવાર 1.09 લાખ રૂપિયાની સપાટી કુદાવી ઓલટાઇમ હાઇ થયા હતા. બુધવારે એમસીએક્સ ચાંદી વાયદો 1.09 લાખ રૂપિયાની સપાટી ગયા અને ઇન્ટ્રા-ડે ડેમાં 1,09,748 રૂપિયાની ટોચે પહોંચ્યા હતા. એમસીએક્સ ચાંદી વાયદો 400 રૂપિયા વધીને 1,09,400 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એમસીએક્સ સોનાનો વાયદો 99,740 રૂપિયા બોલાયો હતો.