Gold Silver Price Record High: સોનું ચાંદી એ ઇતિહાસ સર્જ્યો છે. ચાંદીની કિંમત ઇતિહાસમાં પહેલીવાર 1 લાખ રૂપિયા થઇ છે. તો સોનું પણ 81000 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. દિવાળી ધનતેરસ પર સોનું ચાંદી ખરીદવા વધારે રૂપિયા ખર્ચવા પડશે. ગત દિવાળી બાદથી સોના ચાંદી 35 ટકા જેટલા મોંઘા થયા છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
ચાંદી રેકોર્ડ હાઇ, 1 કિલોની કિંમત 1 લાખ રૂપિયા
ચાંદીમાં આગઝરતી તેજીનો ચમકારો જોવા મળ્યો છ. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 3000 રૂપિયા ઉછળી હતી. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1 લાખ રૂપિયા થઇ હતી, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે ચાંદી ચોરસાની કિંમત 97000 રૂપિયા હતી. તો ચાંદી રૂપુની કિંમત 99800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
ભારતના અન્ય શહેરોમાં વાત કરીયે દિલ્હી, મુંબઇ અને કલકત્તામાં ચાંદીની કિંમત 1.02 લાખ રૂપિયા થઇ હતી.

સોનું 81000 રૂપિયા નજીક
સોનાના ભાવ પણ સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 100 રૂપિયા વધ્યું હતું. આમ 99.9 શુદ્ધ સોનાની કિંમત 80800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 80600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. સોનાના હોલમાર્ક દાગીનાની કિંમત 79185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ચાંદી માં રોકાણકારોને ચાંદી ચાંદી
સોનું કરતા ચાંદીના ભાવ ઝડપથી ઉછળ્યા છે. આમ ચાંદીમાં રોકાણકારોને ચાંદી ચાંદી થઇ ગઇ છે. જો દિવાળી થી દિવાળી રિટર્નની વાત કરીયે તો સોનાના ભાવ 29 ટકા વધ્યા છે, જેની સામે ચાંદી 38 ટકા મોંઘી થઇ છે. રકમમાં વાત કરીયે તો ગત દિવાળી બાદથી સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 18100 રૂપિયા વધી ગઇ છે. તેવી જ રીતે ચાંદીની કિંમત 27500 રૂપિયા પ્રતિ 1 કિલો વધી છે.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
તમને જણાવી દઇયે કે, ગત દિવાળીના દિવસે 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાની કિંમત 62700 અને 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 72500 રૂપિયા હતી. કોરોના મહામારી બાદ સોના ચાંદીની કિંમત રોકેટ ગતિથી વધી અઢી ગણી જેટલી થઇ ગઇ છે.





