Golg Silver Price Today News In Gujarati : દિવાળી પર સોનું ચાંદી ખરીદનાર માટે સારા સમાચાર આવ્યા છે. 5 દિવસ બાદ સોનામાં ભાવ ઘટ્યા છે. જે લોકો સતત વધી રહેલા સોનાના ભાવથી ચિંતિત હતા તેમની માટે સોનું ખરીદવાનો સારો મોકો આવ્યો છે. યુએસ ડોલરમાં નરમાઇ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો એક આશ્ચર્યચકિત બાબત છે. ચાલો જાણીયે આજે તમારા શહેરમાં સોના ચાંદીની કિંમત કેટલી થઇ છે.
સોનું સસ્તું થયું
સોનાના ભાવ સતત વધ્યા બાદ બુધવારે ઘટ્યા છે. આજે અમદાવાદમાં સોનું 500 રૂપિયા ઘટ્યું છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત 1,31,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. નોંધનિય છે કે, મંગળવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1,32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોચ્યું હતું. 10 ઓક્ટોબર બાદ પહેલીવાર સોનાના ભાવ ઘટ્યા છે. સ્થાનિક બજારમાં 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 1,31,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો 22 કેરેટ હોલમાર્ક સોનાનો ભાવ 1,28,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે.
ઝવેરી બજારમાં આજે સોનું સસ્તુ થયું હતું પરંતુ ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. અમદાવાદમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ 1.80 લાખ રૂપિયા હતો, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે.
15 દિવસમાં સોનું ચાંદી કેટલું મોંઘુ થયું?
કોરોના મહામારી બાદ સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. જો કે તાજેતરમાં કિંમતી ધાતુના ભાવ રોકટ ગતિથી વધ્યા છે. દિવાળી પહેલા જ ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય લોકો માટે સોના ચાંદી ખરીદવું એક સપનું બની ગયું છે. ઓક્ટોબર મહિના પ્રથમ 15 દિવસની વાત કરીયે તો સોનું 12,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તો 1 કિલો ચાંદીની કિંમત 35000 રૂપિયા વધી ગઇ છે.
ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક સોનું 4200 ડોલર પાર
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પહેલીવાર 4200 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટી કુદાવી ગયા છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનામાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે. બુધવારે સોનાનો વાયદો 1.8 ટકા વધી 4218 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો. ત ચાંદી વાયદો વધીને 53 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો.