કેલેન્ડર વર્ષ 2022 રોકાણકારો માટે ઘણું અફરાતફરી વાળું વિત્યુ છે. એક બાજુ શેરબજારમાં આવેલા મસમોટા કડાકામાં રોકાણકારોની નુકસાન થયુ છે તો સોના-ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને એકંદરે સારું રિટર્ન મળ્યુ છે. સોનાને હંમેશાથી સંકટ સમયની સાંકળ ગણવામાં આવે છે અને પીળી કિંમતી ધાતુમાં કરેલુ રોકાણ સુરક્ષિત હોવાનું મનાય છે. વર્ષ 2022માં સોનામાં રોકાણકારોને 17.6 ટકા અને ચાંદીમાં 8.7 ટકા જેટલું રિટર્ન મળ્યુ છે. જ્યારે વર્ષ 2021માં નેગેટિવ રિટર્ન મળ્યું છે.
દિવાળી બાદ સોના-ચાંદીના ભાવ સતત વધ્યા
મહામારી અને મંદીની દહેશતને પગલે દિવાળીથી સોના-ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સતત વધી રહ્યા છે. 30 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદ ઝવેરી બજરમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ 300 રૂપિયા વધીને 56300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તો ચાંદીની કિંમત 500 રૂપિયા વધને પ્રતિ 1 કિગ્રા 68500 રૂપિયા થઇ હતી. તો 31 ડિસેમ્બર 2021ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 47900 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા 63000 રૂપિયા હતી.

આમ કેલેન્ડર વર્ષ 2022માં સોનાના ભાવમાં 8400 રૂપિયાનો વધારો આવ્યો છે. તો ચાંદીની કિંમત આ દરમિયાન 5500 રૂપિયા વધી છે. જો ટકાવારીમાં વાત કરીયે તો વર્ષ 2022માં સોનામાં 17.6 ટકા અને ચાંદીમાં 8.7 ટકા રિટર્ન મળ્યુ છે.
વર્ષ 2022માં સોના-ચાંદીમાં રિટર્ન
વિગત | 2021 | 2022 | વધારો | ટકા |
---|---|---|---|---|
સોનું | 47900 | 56300 | ₹8400 | +17.53% |
ચાંદી | 63000 | 68500 | ₹5500 | +8.73% |
છેલ્લા 12 વર્ષના લેખાં-જોખાં
સોનામાં છેલ્લા 12 વર્ષના દેખાવ પર એક નજર કરીયે તો કેલેન્ડર વર્ષ 2021માં 3 ટકા જેટલું નકારાત્મક રિટર્ન આપ્યા બાદ વર્ષ 2022માં સોનામાં 17.5 ટકાનું પોઝિટિવ રિટર્ન મળ્યુ છે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી અને આર્થિક મંદીની દહેશતે કેલેન્ડર વર્ષ 2020માં સોનાના ભાવમાં અનપેક્ષિત ઉછાળો આવ્યો હતો. આ સાથે સોનામાં રોકાણેકારોને 31 ટકા જેટલું જંગી રિટર્ન મળ્યુ હતુ જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે હતું.
સોનામાં છેલ્લા 12 વર્ષનું રિટર્ન
વર્ષ | ભાવ | વાર્ષિક રિટર્ન |
---|---|---|
2022 | 54,958 | +17.53% |
2021 | 48,900 | -3.8% |
2020 | 50,151 | +31.05% |
2019 | 38,269 | +20.71% |
2018 | 31,702 | +7.11% |
2017 | 29,598 | -1.61% |
2016 | 30,082 | +17.11% |
2015 | 25,686 | -6.53% |
2014 | 27,481 | -7.86% |
2013 | 29,826 | -6.14% |
2012 | 31,778 | +16.15% |
2011 | 27,359 | +37.52% |