Sensex Nifty Return Lower Than Gold Silver In FY25: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 93000 રૂપિયાની સપાટી વટાવી નવી રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચ્યા છે. ઐતિહાસિક તેજીથી 31 માર્ચે, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સોનાના રોકાણકારોને શેરબજાર કરતા જબરદસ્ત વળતર મળ્યું છે. સોના જેમ ચાંદીમાં રોકાણકારોને આકર્ષક રિટર્ન મળ્યું છે. પ્રવર્તમાન માર્કેટ ટ્રેન્ડ્સને જોતા આર્થિક પંડિતો સોનામાં તેજી ચાલુ રહેવાની આગાહી કરી રહ્યા છે. ચાલો જાણીયે સોના ચાંદીના લેટેસ્ટ ભાવ અને એક વર્ષમાં કેટલું વળતર મળ્યું.
સોનું ઐતિહાસિક ટોચ પર, ભાવ 93000 પાર
સોનાના ભાવ સતત વધવાથી રોકાણકારોને સવાયું રિટર્ન મળ્યું છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં 31 માર્ચ, 2025ના રોજ સોનું 800 રૂપિયા મોંઘુ થયું છે. આથી 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 93500 રૂપિયા થઇ હતી. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. 22 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 93200 રૂપિયા થઇ હતી. એક દિવસ અગાઉ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 92700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા
ચાંદીની કિંમત કોઇ ફેરફાર વગર 1 લાખ રૂપિયા પ્રતિ કિલો યથાવત હતી. નોંધનિય છે કે, 28 માર્ચ, 2025ના રોજ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 1,01,000 રૂપિયા થઇ હતી, જે ચાંદીનો અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ છે.
સોનામાં સવાયું વળતર, ચાંદીમાં રોકાણકારોને ચાંદી ચાંદી
સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. બુલિયન માર્કેટની તેજી પાછળ રોકાણકારોને સેફ હેવન માંગ જવાબદાર છે. નાણાકીય વર્ષ 2024-25ના છેલ્લા દિવસ 31 માર્ચના રોજ અમદાવાદમાં સોનું 93500 રૂપિયા રેકોર્ડ હાઇ અને ચાંદી 1 લાખ રૂપિયા હતી. આમ નાણાકીય વર્ષ 2024-25માં સોનાના ભાવ 23500 રૂપિયા વધ્યા છે. તો ચાંદી 24500 રૂપિયા મોંઘી થઇ છે. જો ટકાવારીની રીતે જોઇએ તો રોકાણકારોને સોના અને ચાંદીમાં 33 ટકા વળતર મળ્યું છે.
શેરબજારમાં બેંક એફડી કરતા પણ ઓછું રિટર્ન
શેરબજારના રોકાણકારોને નાણાકીય વર્ષ 2024-25માં બેંક એફડી કરતા પણ ઓછું વળતર મળ્યું છે. 28 માર્ચ, 2025ના રોજ સેન્સેક્સ 77414 અને નિફ્ટી 23519 બંધ થયો હતો. આમ વિતેલ નાણાકીય વર્ષમા સેન્સેક્સ 3763 પોઇન્ટ એટલે કે 5.10 ટકા વધ્યો છે. તો એનએસઇ નિફ્ટી 1192 પોઇન્ટ કે 5.34 ટકા વધ્યો છે. જે બેંક એફડી કરતા પણ ઓછું વળતર છે. સેન્સેક્સ નિફ્ટી એ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છમાસિકગાળામાં સતત ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. જો કે ઓક્ટોબર 2024 બાદથી સતત ઘટાડાથી શેરબજારમાં રોકાણકારોને જંગી નુકસાન થયું છે.





