બે વર્ષ બાદ ભારતીયોએ કોરોના મહામારીના ડરમાંથી બહાર આવીને દિવાળીની ઉજવણી કરી છે. આ દિવાળીમાં ભારતીયોએ કપડા-ગીફ્ટ સહિત સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી છે. આ વખતે તહેવારોમાં આર્થિક મંદીની દહેશત વચ્ચે પણ ઝવેરી બજારમાં દિવાળીની ખરીદીની રોનક જોવા મળી છે અને સોના-ચાંદીનું વેચાણ ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે.
જ્વેલર્સ ઉદ્યોગના સંગઠન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના અનુમાન અનુસાર ધનતેરસથી દિવાળીના તહેવાર દરમિયાન દેશમાં સૌથી વધારે સોના-ચાંદીના સિક્કાઓની માંગ રહી છે, તે ઉપરાંત સોનાનું વેચાણ પણ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ્યુ છે.
AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યુ કે, ભારતનો બુલિયન ઉદ્યોગ કોરોના મહામારીના સંકટમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો છે, કારણ કે ભારતમાં સોનાની માંગ તેની રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. આર્થિક ગતિવિધિઓમાં જબરદસ્ત તેજી અને ગ્રાહકોની માંગ વધવાથી જુલાઇ- સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન ભારતીય બજારમાં સોનાની માંગમાં 80 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
AIJGFના મતે બે દિવસ ધનતેરસથી દિવાળી દરમિયાન દેશમાં સોના-ચાંદીના સિક્કાઓ, મૂર્તિઓ અને વાસણોનું વેચાણ 25,000 કરોડ રૂપિયાના ઉંચા સ્તરે પહોંચી ગયુ છે. આ વખતે ઝવેરી બજારમાં સોના-ચાંદી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી છે. તો કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સેક્રેટરીએ કહ્યુ કે, કોરોના મહામારીના પરિણામ સ્વરૂપે બે વર્ષની મંદી બાદ બજારમાં નીકળેલી ઘરાકીથી જ્વેલર્સો – વેપારીઓ ખુશ છે.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટેની ખરીદીની યાદીમાં સોનું પ્રથમ ક્રમે રહ્યુ છે, સોનાની માંગ વધવાનું કારણ આર્થિક અનિશ્ચિતતાની દહેશત જવાબદાર હોઇ શકે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે સોનાની ખરીદી કરવા માટે લોકોએ પ્રિ-એડવાન્સ બુકિંગ કરાવ્યુ હતુ.