Gold Silver Customs Duty In Budget 2024: બજેટ 2024 બાદ સોના અને ચાંદીના ભાવમાં 3000 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો થયો છે. નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024માં સોના ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. જેની સીધી અસરે ભારતમાં સોના ચાંદીની કિંમત નોંધપાત્ર ઘટી છે. લોકોને સસ્તા ભાવ સોનું ચાંદી ખરીદવાનો મોકો મળ્યો છે.
બજેટ 2024માં સોનું ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટી (Gold Silver Customs Duty In Budget 2024)
નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણમાં સોના ચાંદીની કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024માં સોના ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા કરી હતી. ઉપરાંત પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની દરખાસ્ત કરી છે.

સોનું – ચાંદી 3000 રૂપિયા સસ્તા થયા (Gold Silver Rate Today)
બજેટ 2024 માં સોનું ચાંદી પરથી કસ્ટમ ડ્યૂટી ઘટવાથી સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 3000 રૂપિયા સસ્તુ થયું છે. આજે 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાની કિંમત 72500 અને 99.5 શુદ્ધ સોનાની કિંમત 72300 રૂપિયા થઇ છે. જ્યારે તેના આગલા દિવસે 99.9 શુદ્ધ સોનાની કિંમત 75500 રૂપિયા હતી.
તમને જણાવીયે દઇયે કે, સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 76700 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ રેકોર્ડ લેવલથી સોનાના ભાવમાં 4200 રૂપિયાનો કડાકો બોલાયો છે.

આ પણ વાંચો | બજેટ 2024 માં બાળકો માટે NPS વાત્સલ્ય યોજનાની ઘોષણા, જાણો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવો
ચાંદી 7500 સસ્તી થઇ
બજેટ 2024 બાદ સોના સાથે ચાંદી પણ સસ્તી થઇ છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં એક જ દિવસમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો છે. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 86000 રૂપિયા થઇ છે, જ્યારે આગલા દિવસે ભાવ 89000 રૂપિયા હતો. ગત 17 જુલાઇના રોજ સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 93500 રૂપિયા થઇ હતી, ઇતિહાસનો સૌથી ઊંચો ભાવ છે. આમ ઐતિહાસિક ટોચથી ચાંદી 7500 રૂપિયા સસ્તી થઇ છે.





