કેલેન્ડર વર્ષ 2022ના વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે. કોરોના મહામારી બાદ વર્ષ 2022 કેટલાક લોકો માટે ભારે મુશ્કેલી ભર્યુ તો કેટલાંક માટે લાભદાયક રહ્યુ છે. નાણાંકી દ્રષ્ટિએ વાત કરીયે તો વર્ષના મધ્યમાં શેરબજારમાં મસમોટા કડાકા બાદ હાલ તેજીનો માહોલ જોવા મળ્યો છે અને આગામી સમયમાં મીડિયમ ટર્મ માટે ઉંચા રિટર્નની અપેક્ષા ઓછી રાખવી યોગ્ય રહેશે. એક ટોપ-ડાઉન માર્કેટને બોટમ-અપ એપ્રોચની જરૂર પડશે. આવી સ્થિતિમાં, વર્ષ 2022 માં, ઘણા ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને બોલિવૂડ સેલેબ્રિટીઓએ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. જેમાં કેટલાકે વૈભવી બંગલા અને મકાનો ખરીદ્યા છે તો કેટલાકે પોતાની પસંદગીના વ્હિકલ્સનું કલેક્શન બનાવ્યું છે. ચાલો જાણીએ કે વર્ષ 2022 માં કોણે ક્યાં કર્યું
ગૌતમ અદાણી
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani) ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે તેમની કંપની અદાણી ગ્રૂપ કોઈ મોટી કંપનીને હસ્તગત કરે છે અથવા અમીરોની યાદીમાં તેમનો ક્રમ બદલાય છે. વર્ષ 2022માં ગૌતમ અદાણીએ 4 કરોડની કિંમતની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 LWB કાર ખરીદી હતી. આ કાર સફેદ રંગની છે અને SUVનું 7 સીટર વેરિઅન્ટ છે. આ કારના એન્જિનથી લઈને ફિચર્સ સુધી બધુ જ દમદાર છે.
ઉપરાંત ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, 23 ઓગસ્ટ 2022ના રોજ, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે ટીવી ન્યુઝ ચેનલ NDTV લિમિટેડને ટેકઓવર કરવાની ઘોષણા કરી હતી. ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગંગાવરમ પોર્ટ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો પણ ટેકઓવર કરી લીધો છે. ગંગાવરમ પોર્ટ એ આંધ્ર પ્રદેશનું ત્રીજું સૌથી મોટું નોન-મેજર મુખ્ય બંદર છે.
મુકેશ અંબાણી

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઉદ્યોગપતિ અને દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) વર્ષ 2022ના આરંભમાં તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે લગભગ 660 કરોડ રૂપિયામાં પામ જુમેરાહ બીચ પર એક વિલા ખરીદ્યો હતો. તો તાજેતરમાં તેમણે દુબઇના પામ જુમેરાહમાં દરિયા કિનારે એક લક્ઝ્યુરિયસ વીલા ખરીદ્યો છે, જેની કિંમત અંદાજે 1300 કરોડ રૂપિયા છે.
પૃથ્વી શો
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ (Prithvi Shaw) વર્ષ 2022માં મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. પૃથ્વીએ જ્યાં નવું ઘર ખરીદ્યુ છે તે મુંબઈનો પોશ એરિયા છે. 8માં માળે આવેલું આ ઘર 2,209 ચોરસ ફૂટનું છે જેમાં ત્રણ કારના પાર્કિંગ માટે જગ્યા છે અને ટેરેસ 1,654 ચોરસ ફૂટ છે. આ ઘરની કિંમત 10.5 કરોડ રૂપિયા છે.
વિરાટ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ (Virat Kohali) વર્ષ 2022માં અલીબાગમાં એક ફાર્મા હાઉસ ખરીદ્યુ છે, જેની કિંમત 19.5 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે વીરુષ્કાએ અલીબાગના ઝિરાદ ગામમાં 8 એકર જમીન માટે 19 કરોડ 24 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે 1 કરોડ 15 લાખ ગવર્મેન્ટ ટ્રેઝરી અને સ્ટેમ્પ ડ્યૂટી 1.32 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
અમિતાભ બચ્ચન
બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) વર્ષ 2022માં મુંબઈના ફોર બંગલા એરિયાની પાર્થેનોન બિલ્ડિંગમાં 31મા માળે 12 હજાર ચોરસ ફૂટનું આલીશાન ઘર ખરીદ્યું હતું, જેનો કાર્પેટ એરિયા 3378 ચોરસ ફૂટ છે અને અહીંયા પ્રત્યેક એપાર્ટમેન્ટની કિંમત રૂ. 14.5 કરોડ.
આયુષ્માન ખુરાના
અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushman Khurana)બોલિવૂડમાં તેના મલ્ટિ-ટેલેન્ટ અને ઓફબીટ સબ્જેક્ટની ફિલ્મો માટે જાણીતો છે. વર્ષ 2022માં આયુષ્માને મુંબઈના અંધેરી વેસ્ટ, લોખંડવાલા કોમ્પ્લેક્સની ‘વિન્ડો ગ્રાન્ડ રેસિડેન્સીસ’ની બિલ્ડિંગમાં 4 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો એક એપાર્ટમેન્ટ 19 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અભિનેતાએ આ એપાર્ટમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 96.50 લાખ ચૂકવ્યા છે.
જાન્હવી કપૂર
સ્ટાર કિટ્સ જાહ્નવી કપૂરને (Jhanvi Kapoor) બોલિવૂડમાં આવ્યાને માત્ર 5 વર્ષ થયા છે અને સતત સક્સેસ ફિલ્મો આપી રહી છે. વર્ષ 2022માં જાહ્નવીએ મુંબઈના પોશ વિસ્તારમાં લગભગ 65 કરોડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 6,421 ચોરસ ફૂટ છે.

રણવીર સિંહ
બોલીવુડ એક્ટર રણવીર સિંહે (Ranveer Singh) મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડ પર આવેલા મલ્ટિફ્લોર રેસિડેન્શિયલ ટાવર સાગર રેશમમાં લક્ઝુરિયસ ક્વાડ્રુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેનો આ એપાર્ટમેન્ટ 119 કરોડ રૂપિયામાં ખરીદાયો છે જેમાં 11,266 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા અને 1,300 સ્ક્વેર ફૂટની ટેરેસ છે. આ એપાર્ટમેન્ટમાં 19 વાહનો માટેની પાર્કિંગ સુવિધા છે. આ સોદો ભારતના રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સના સૌથી મોંઘા સોદા પૈકીનો એક છે.
માધુરી દીક્ષિત
બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) પણ વર્ષ 2022માં નવા ઘરની માલકણ બની છે. મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલી આ પ્રોપર્ટીની રજિસ્ટ્રી 28 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. 53માં માળે આવેલા આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 48 કરોડ રૂપિયા છે. તે 5384 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં 7 કાર પાર્કિંગ સ્લોટનો સમાવેશ થાય છે.
અક્ષય કુમાર
બોલિવૂડના ખિલાડી કહેવાતા અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2022માં અક્ષય વધુ એક નવા ઘરનો માલિક બન્યો છે. તેણે 7.84 કરોડ રૂપિયામાં એક ફ્લેટ ખરીદ્યો છે જેની 1,878 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેમાં 4 કારની પાર્કિંગ સુવિધા છે. આ ફ્લેટ જોય લિજેન્ડ બિલ્ડીંગ, ખાર વેસ્ટના 19મા માળે આવેલો છે.