Google 25th Anniversary : Google હવે સત્તાવાર રીતે 25 વર્ષનું થઈ ગયું છે. ગેરેજમાં શરૂ થયેલી કંપની હવે વાર્ષિક 200 બિલિયન ડોલરથી વધુની આવક પેદા કરી રહી છે. અને તે વિશ્વની ચોથી સૌથી મૂલ્યવાન કંપની પણ છે. ગૂગલ હવે એક એવો શબ્દ છે, જે સર્ચનો વર્ચ્યુઅલ પર્યાય બની ગયો છે. આલ્ફાબેટ Inc. ગૂગલની 25મી વર્ષગાંઠના અવસર પર અમે તમને ગૂગલ સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક બાબતો વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો તમને જણાવીએ ગૂગલના એવા તથ્યો વિશે જે તમે ભાગ્યે જ જાણતા હશો…
BackRub: Googleનું પહેલાનું નામ
શું તમે જાણો છો કે શરૂઆતમાં ગૂગલનું મૂળ નામ શું હતું? ઘર-ઘરમાં નામ બનાવ્યા પહેલા Google મૂળ રૂપે BackRub તરીકે ઓળખાતું હતું. કો-ફાઉન્ડર લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને 1996માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમના દિવસો દરમિયાન આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ‘BackRub’ નામનો અર્થ એ હતો ,કે શરૂઆતમાં તેનો હેતુ વેબસાઈટના મહત્વને સુનિશ્ચિત કરવા માટે બેકલિંકનું વિશ્લેષણ કરવાનો હતો. પરંતુ બાદમાં તેનું નામ બદલીને ‘Google’ કરવામાં આવ્યું.
જ્યારે વિશ્વભરમાં ગૂગલ ડાઉન થયું
Google ભાગ્યે જ ડાઉનટાઇમ અનુભવે છે, પરંતુ જ્યારે પણ Google બંધ થાય છે, ત્યારે સમગ્ર વિશ્વ તેનો અનુભવ કરે છે. 16 ઓગસ્ટ, 2013 ના રોજ, બધી Google સેવાઓ 5 મિનિટ માટે બંધ થઈ ગઈ. શું તમે જાણો છો કે, આ પછી શું થયું? ગૂગલ ડાઉન થવાને કારણે વિશ્વભરમાં ઇન્ટરનેટ ટ્રાફિકમાં 40 ટકાનો ઘટાડો થયો. આ ઘટના દરમિયાન, દરેકને સમજાયું કે, આપણે સર્ચ, જીમેલ, મેપ્સ જેવી ગૂગલની સેવાઓ પર કેટલી હદે નિર્ભર છીએ.
જેનિફર લોપેઝનો ડ્રેસ અને ગૂગલ ઈમેજીસની શરૂઆત
2000 માં ગ્રેમી એવોર્ડ્સમાં અભિનેત્રી જેનિફર લોપેઝના અદભૂત લીલા વર્સાચે ડ્રેસએ માત્ર હેડલાઇન્સ જ નહીં, પરંતુ વિશ્વના સૌથી લોકપ્રિય ઈમેજ-સર્ચ ટૂલને પણ પ્રોત્સાહન આપ્યું. તે સમયે, સૌથી વધુ સર્ચ કરાયેલા પ્રશ્નો ડ્રેસ સંબંધિત હતા, પરંતુ લોકો ઈમેજ ઇચ્છતા હતા અને પરિણામ તરીકે ટેક્સ્ટ નહીં. આ માંગને પહોંચી વળવા માટે ગૂગલ ઇમેજ સર્ચ બનાવવામાં આવ્યું હતું. કંપનીએ 2001 માં આ ફીચરને બહાર પાડ્યું હતું અને પહેલા જ દિવસે ડેટાબેઝમાં 250 મિલિયન ઈમેજો હતી.
“ગૂગલ” ને ઓક્સફોર્ડ ડિક્શનરીઝમાં બનાવ્યું વર્બ
ગૂગલે આપણા જીવનમાં એટલી અસર કરી છે કે, હવે તે ક્રિયાપદ બની ગયું છે. 2006માં, Google ને સત્તાવાર રીતે Oxford English Dictionary અને Merriam-Webster Collegiate Dictionary માં ક્રિયાપદ તરીકે સમાવવામાં આવ્યું હતું. ગૂગલિંગ હવે વેબ પર સર્ચ કરવા માટે એક સામાન્ય શબ્દ છે અને આ દર્શાવે છે કે, ગૂગલ આપણા રોજિંદા જીવનમાં કેટલું ઊંડું ઘૂસી ગયું છે.
ગેરેજમાં શરૂ કર્યું
સિલિકોન વેલીમાં શરૂ થયેલી સ્ટાર્ટઅપની વાર્તા એક સ્ટીરિયોટાઇપ છે. ગૂગલની પહેલી ઓફિસ ભાડાના ગેરેજમાં હતી. કંપનીની પ્રથમ ઓફિસ 1998 ની શરૂઆતમાં કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં સુસાન વોજસિકીના ગેરેજમાં ખોલવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, વોજિકી હવે યુટ્યુબના સીઈઓ છે અને તે ગૂગલના પહેલા માર્કેટિંગ મેનેજર હતા. આ ગેરેજને પાછળથી Google દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું અને તેને Google ની મુસાફરીનો યાદગાર ભાગ બનાવવા માટે કેન્ડી, નાસ્તા અને લાવા લેમ્પ્સથી ભરી દીધુ હતું.
Gmail એપ્રિલ ફૂલના દિવસે શરૂ થયું
ગૂગલની ઈમેલ સર્વિસ જીમેલ 2004માં એપ્રિલ ફૂલના દિવસે લોન્ચ કરવામાં આવી હતી. આ દિવસે ઈમેલ સેવા શરૂ કરવાની જાહેરાતથી ઘણા લોકોને મજાક લાગી હતી. જો કે, પાછળથી તે સાચું પડ્યું અને તે એક એવી સેવા બની કે, જેનો ઉપયોગ આજે સમગ્ર વિશ્વમાં લાખો લોકો દરરોજ કરે છે.
કર્મચારીઓ માટે Gbikes
ગૂગલની રંગીન સંસ્કૃતિ તેના કેમ્પસમાં પણ જોઈ શકાય છે. કર્મચારીઓ Googleplex પર રંગબેરંગી ‘gBikes’ પર સવારીનો આનંદ માણે છે. આ અનોખો કોમ્યુટર બાઇક પ્રોગ્રામ 2007માં શરૂ થયો હતો. અને બાદમાં બાસ્કેટ સાથે પ્રાથમિક રંગમાં સજ્જ બીચ ક્રુઝર્સના કાફલામાં વિકાસ થયો. ખાસ વાત એ છે કે, આમાંથી કોઈ પણ બાઇકને લોક નથી. કર્મચારીઓ આને ભાડે લઈ શકે છે અને અન્ય ઉપયોગ કરી શકે તે માટે ઓફિસની નજીક છોડી શકે છે.
યુટ્યુબ ડીલ
શું તમે જાણો છો કે, Google એ YouTube ને હસ્તગત કરવા માટે ક્યારે અને ક્યાં વાતચીત કરી હતી? તમને આ સાંભળીને નવાઈ લાગશે. તે કોઈ મોટી અને ભવ્ય કોર્પોરેટ ઓફિસમાં નહીં, પરંતુ કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં ડેનીમાં હતું. યુટ્યુબના સહ-સ્થાપકોએ, મોઝેરેલા સ્ટીક અને હેન્ડશેક સાથે, ગૂગલે 2006માં $1.65 બિલિયનમાં હસ્તગત કરેલા સોદાની ડીલ કરી હતી. આ એક એવો નિર્ણય હતો, જેણે યુટ્યુબને ઈન્ટરનેટ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલ વિડીયો પ્લેટફોર્મ બનાવ્યું હતું.
આ પણ વાંચો – G-20 Summit : શું છે જી20? કયા-કયા દેશ છે સામેલ? ક્યારે થઈ રચના? કેવી રીતે કામ કરે છે? જાણો બધુ જ
ગૂગલ મેપ્સમાં મર્ડર બબાલ
2013 માં, જ્યારે એક મહિલાએ ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાંથી સ્ક્રીનશોટ લીધો અને તેને ફેસબુક પર પોસ્ટ કર્યો, ત્યારે ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. આ સ્ક્રીનશોટ જોઈને એવું લાગી રહ્યું હતું કે, કોઈ વ્યક્તિ લાશ લઈને જઈ રહ્યો છે. આ શોટમાં નેધરલેન્ડના અલ્મેરે શહેરમાં એક થાંભલા પર વહેતા લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ ફોટો વાયરલ થયા બાદ આખી દુનિયામાં સનસનાટી મચી ગઈ હતી અને નવી ચર્ચા છેડાઈ હતી. પાછળથી ખબર પડી કે, એ ફોટામાં રામ નામનો કૂતરો હતો, જે ભીનો હતો અને ફોટામાં દેખાતું ‘લોહી’ ખરેખર પાણી હતું.