સર્ચ એન્જિન ગુગલને એક ભૂલથી 100 અબજ ડોલરનો ચૂનો લાગ્યો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કને તેની નવી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ બાર્ડની (Bard)ની એક ભૂલને કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. નોંધનિય છે કે, જ્યારથી ડેવલપર ઓપનAIએ તેનો લોકપ્રિય ચેટબોટ ચેટજીપીટી (ChatGPT) લોન્ચ કર્યો ત્યારથી ગૂગલ ભારે દબાણનો સામનો કરી રહી છે. માઇક્રોસોફ્ટના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ ChatGPTને ટક્કર આપવા માટે ગૂગલે તેનું ચેટબોટ બાર્ડ (Bard) લોન્ચ કર્યું છે. Googleનું આ ચેટબોટ LaMDA પર આધારિત છે, જેના પર કંપની લાંબા સમયથી કામગીરી કરી રહી છે. જો કે હવે તેની સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
આ અઠવાડિયે ગૂગલે તેનું AI ચેટબોટ બાર્ડ (Bard) લોન્ચ કર્યું છે. બાર્ડને તેના પ્રમોશનલ વીડિયોમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમા (બાર્ડ)થી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘9 વર્ષના બાળકને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)ની નવી શોધ વિશે શું જણાવવું જોઈએ?’ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ બાર્ડે ત્રણ મુદ્દામાં જવાબ આપ્યો.
Bardએ જવાબમાં શું કહ્યું – ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ આકાશગંગાની બહારના ગ્રહનો પ્રથમ ફોટોગ્રાફ લેવા માટે કરવામાં આવ્યો હતો.’ રોઇટર્સે Bardની આ ભૂલ પકડી. રિપોર્ટ્સ અનુસાર, બાર્ડના લોન્ચિંગ બાદ ગૂગલની પેરેન્ટ કંપનીને 100 અબજ ડોલરનું નુકસાન થયુ છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ લગભગ 8,250 અબજ રૂપિયા જેટલી થાય છે. ગૂગલના Bardની ભૂલ સામે આવતા કંપનીના શેરમાં લગભગ 8 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
કંપનીના શેરમાં ભારે ઘટાડો
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના એક શેરની કિંમત 106.77 ડોલર હતી, જે બુધવારે ઘટીને 98.08 ડોલર થઈ ગઇ. ટકાવારીની રીતે આલ્ફાબેટનો શેરમાં લગભગ 8.1 ટકાનો ઘટાડો થયો છે. જે ગત ઓક્ટોબર પછીનો સૌથી મોટો ઘટાડો છે. હકીકતમાં, AI ચેટબોટ્સ એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલ્સ અથવા રોબોટ્સ છે જેની સાથે લોકો ચેટ કરી શકે છે. એટલે કે, તમે તેને લેખિતમાં પ્રશ્નો પૂછી શકો છો અને તે તેનો જવાબ પણ લેખિતમાં આપશે.