કેન્દ્ર સરકારે ખેડૂતોને દિવાળીની ભેટ આપતા ઘઉં સહિત 6 રવી કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ માર્કેટિંગ સીઝન 2023-24 સીઝનની માટે રવી પાકોની એમએસપી વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ – રાયડો અને સનફ્લાવરના લઘુત્તમ ટેકાના ભાવમાં સરેરાશ 3 થી 9 ટકા સુધીનો વધારો કર્યો છે. જેમા સૌથી વધુ મસૂરના ટેકાના ભાવમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ક્યાં રવી કૃષિ પાકના ટેકાના ભાવમાં કેટલી વૃદ્ધિ થઇ
કૃષિ પાક | જૂની MSP | નવી MSP | વધારો |
---|---|---|---|
ઘઉં | 2015 | 2125 | 110 |
જવ | 1635 | 1735 | 100 |
ચણા | 5230 | 5335 | 105 |
મસૂર | 5500 | 6000 | 500 |
સરસવ/રાયડો | 5050 | 5450 | 400 |
સનફ્લાવર | 5441 | 5650 | 209 |
MSP એટલે શું?
લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી) એ ભાવ છે જે દરે સરકાર ખેડૂતો પાસેથી કૃષિ પાકોની પ્રાપ્તિ કરે છે. સરકાર બફર સ્ટોક બનાવવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુસર ટેકાના ભાવે કૃષિ પાકોની પ્રાપ્તિ કરે છે. સરકાર હાલ ઘઉં, ચોખા-ડાંગર, કઠોળ, તેલીબિયાં અને ડુંગળીની ટેકાના ભાવે પ્રાપ્તિ કરે છે. સરકાર તેની વિવિધ કલ્યાણકારી અને સામાજીક યોજનાઓ હેઠળ રાહત દરે અનાજનું વિતરણ કરવા માટે પણ ટેકાના ભાવે ખાદ્યાન્નની ખરીદી કરે છે.
ખેડૂતોને શું ફાયદો થશે?
સરકારી ખરીદીથી બજારમાં કૃષિ પાકોના ભાવને MSPને નીચે જવાથી અટકાવી શકાય છે. આથી ટેકાના ભાવમાં વધારો ખેડૂતો માટે એકંદરે ફાયદાના જ સમાચાર હોય છે. જો કે કેટલીક વાર ટેકાના ભાવની જાહેરાતનો હેતુ પૂર્ણ થતો નથી. ઘણી વખત ટેકાના ભાવે ખરીદી કરવા છતાં પણ કોઇ કૃષિ પાકોના ભાવ એમએસપીની નીચે જતા રહે છે અને ખેડૂતોને નુકસાન ખાઇ પોતાનો પાકો વેચવો પડે છે. અલબત્ત કોરોના મહામારી બાદથી મોટાભાગના કૃષિ પાકોના ભાવ તેમની એમએસપીથી ઉંચા રહેતા ખેડૂતોને સારો ફાયદો થયો છે.