(આંચલ મેગેઝિન) ડિસેમ્બર 2022 બાદ રાશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ કરવાની યોજના બંધ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર ગોદામમાં રહેલા ઘઉંના બફર સ્ટોકનું અવલોકન અને મંત્રીમંડળ સાથે મંત્રણા કરી રહી છે, જેનો હેતુ મે- 2022માં ઘઉંની નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધ હટાવવા કે નહીં તે જાણવાનો છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં ઘઉંના જથ્થાની સપ્લાય અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ જરૂરી વિતરણને ધ્યાનમાં રાખીને માપસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.
PMGKAY બંધ પણ NFSA હેઠળ મફત અનાજ મળતું રહેશે
એક અન્ય નવું પરિબળ એ છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) હેઠળ વધારાની ફાળવણી – જે એપ્રિલ 2020માં કોવિડ-19 લોકડાઉન વખતે ગરીબ લોકોની મુશ્કેલીની દૂર કરવા માટે શરૂ કરવામાં આવી હતી , આ યોજના હવે સમાપ્ત થઈ ગઈ છે તેવી ઘોષણા કર્યા બાદ કુલ વિતરણ માટે હવે ઓછા જથ્થાની જરૂર પડશે તે બાબત નક્કી છે.
23 ડિસેમ્બરના રોજ, સરકારે PMGKAY ને બંધ કરવાની જાહેરાત કરી હતી, જેમાં લગભગ 81.35 કરોડ લોકોને દર મહિને 5 કિલો અનાજ મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રતિ વ્યક્તિ 2/3 રૂપિયાના ભાવે 5 કિગ્રા અનાજ વિતરણ સિવાય વધારાનું મફત અનાજ હતું. જો કે બીજી બાજુ કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2023થી એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ દર મહિને રાશનકાર્ડ ધારકોને 5 કિલો અનાજનું મફત વિતરણ કરવાનું નક્કી કર્યું છે.
આ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “ખાદ્ય સુરક્ષા મુખ્ય વિચાર છે…અમે એ હકીકત પ્રત્યે ખૂબ જ સભાન છીએ કે ખાદ્ય ચીજો અને ખાદ્ય સુરક્ષાને જાળવી રાખીયે.” “કોરોના મહામરી દરમિયાન શરૂ કરાયેલી યોજનાઓ અચાનક બંધ કરી શકાઈ તેમ નથી, અમે જાહેર વપરાશ પ્રત્યે સંવેદનશીલ છીએ. પરિણામે, મફત વિતરણ માટે મોટા પ્રમાણમાં અનાજ ફાળવવામાં આવ્યો છે. હાલ અમે ઘઉંનો સ્ટોક ઉભો કરી રહ્યા છીએ, એકવાર તેનો પુરતો જથ્થો ઉપલબ્ધ થઈ જશે ત્યારબાદ અમે તેના નિકાસ પ્રતિબંધ અંગે પુનર્વિચાર કરીશું,” એવું અધિકારીએ ઉમેર્યુ હતું.
મફત વિતરણથી સરકારી અનાજના જથ્થામાં દર મહિને 20 લાખ ટનનો ઘટાડો
કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક છેલ્લા છ મહિનામાં સરેરાશ દર મહિને 20 લાખ ટન ઘટી રહ્યો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના આંકડા મુજબ, 1 ડિસેમ્બરના રોજ ઘઉંનો સ્ટોક 190.2 લાખ ટન હતો, જે છેલ્લા 6 વર્ષનો સૌથી ઓછો જથ્થો છે. તેની અગાઉ નવેમ્બરમાં કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક 210 લાખ ટન નોંધાયો હતો. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં નોંધાયેલો ઘઉંનો જથ્થો છેલ્લે વર્ષ 2016માં જોવા મળ્યો હતો, તે સમયે સરકારી ગોદામમાં અનુક્રમે 188.4 લાખ ટન અને 166.9 લાખ ટન ઘઉંનો જથ્થો હતો.

ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન, PMGKAY હેઠળ કુલ 83 લાખ ટન અનાજ ઉપાડ કરવામાં આવ્યો હતો, જેમાં 65 લાખ ટન ચોખા અને 18 લાખ ટન ઘઉંનો જથ્થો હતો. કેન્દ્રીય પૂલમાં ઘઉંનો જથ્થો ઘટતા ગયા વર્ષે સરકારે PMGKAY હેઠળ મફત વિતરણ માટે ઘઉંનું વિતરણ ઘટાડીને ચોખાનું વિતરણ વધારી દીધી હતુ.
નોંધનિય છે કે, મે 2022માં ઘઉંની ઓછી પ્રાપ્તિની ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઘઉંની ફાળવણીમાં ઘટાડો કર્યો હતો અને તેની સામે લગભગ 55 લાખ ટન ચોખાની વધારાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. તો સરકારે સ્થાનિક બજારમાં પુરતી સપ્લાય જાળવી રાખવા માટે સપ્ટેમ્બર 2022માં બ્રોકન નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદયો હતો.
નિકાસ પ્રતિબંધ વચ્ચે પણ ઘઉંના ભાવ સતત વધ્યા
નિકાસ પ્રતિબંધ વચ્ચે પણ સતત વધી રહેલા ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકાર હવે ખુલ્લા બજારમાં વેચાણ કરવા અંગે પણ વિચાર કરી રહી છે. “કિંમતોને અંકુશમાં રાખવા માટે ફ્રી માર્કેટ ઓપરેશન્સ વિશે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. કોઇ પણ પ્રકારના નવા નિયંત્રણો કે અંકુશો કૃષિ ચક્ર અને પાક ઉત્પાદન પર પણ આધાર રાખે છે. અમારે ખાદ્ય સુરક્ષાને જાળવી રાખવા માટે માપસરના પગલાં લેવા પડશે. જો અનાજનું ઉત્પાદન સારું છે, તો કોઈ સમસ્યા નહીં પડે,” એવું સરકારી અધિકારીએ જણાવ્યુ હતું.
માર્ચમાં ઘઉંનો નવો પાક આવશે
માર્કેટિંગ સીઝન 2023-24ના ઘઉંના નવા પાકની આવક માર્ચના અંત સુધીમાં માર્કેટયાર્ડોમાં શરૂ થઇ જશે. નિષ્ણાંતો આશા રાખે છે કે ગત વર્ષની જેમ આ વખતે ઘઉંના પાકે કોઇ પ્રતિકૂળ હવામાનની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. નોંધનિય છે કે, ગત વર્ષે માર્ચ અને એપ્રિલમાં ગંભીર ગરમીના કારણે ઘઉંના પાક પર ગંભીરત પ્રતિકુળ અસર થઇ અને ઉત્પાદન નોંઘપાત્ર ઘટી ગયુ હતુ.

ઇન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્રી કુમાર પંતે જણાવ્યું કે, “અત્યાર સુધી એવું દેખાય રહ્યું છે કે ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ સારું રહેશે. જાન્યુઆરીના આરંભમાં બફર સ્ટોક 30 લાખ ટન સ્ટ્રેટેજીક રિઝર્વ સાથે 108 લાખ ટન હતો. જ્યારે ડિસેમ્બરમાં ઘઉંનો 190 લાખ ટન જથ્થો હતો. દર મહિને ઘઉંના બફર સ્ટોકમાં 20 લાખ ટનનો ઘટાડો થઇ રહ્યો છે, જો આ ગતિએ બફર સ્ટોકમાં ઘટાડો ચાલુ રહ્યો હતો આગામી એપ્રિલ સુધીમાં આ જથ્થો ઘટીને લગભગ 110 લાખ ટન જેટલો રહી જશે. જે એપ્રિલમાં 75 લાખ ટનના બફર સ્ટોકના માપદંડ કરતાં વધારે હશે અને ત્યારબાદ સરકાર ઘઉં પરના પ્રતિબંધો અંગેના વિકલ્પો પર ફેર વિચારણા કરી શકે છે.”
ઉલ્લેખનિય છે કે, સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખવા અને પુરતી સપ્લાયની ખાતરી કરવા માટે સરકારે મે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે વિકાસશીલ દેશો તેમજ આવશ્યકતા ધરાવતા દેશોની સરકારની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા માટે ઘઉંની નિકાસને મંજૂરી આપવાનું ચાલુ રાખ્યુ હતુ.
ઘઉંની નિકાસ પર એક નજર
નોંધનિય છે કે, ભારતે વર્ષ 2022માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 1.5 અબજ ડોલરની મૂલ્યના 46.56 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે જ્યારે તેની અગાઉના વર્ષે 2021-22માં 2.12 અબજ ડોલરની મૂલ્યના 72.45 લાખ ટન ઘઉંની નિકાસ કરાઇ હતી. 23 ડિસેમ્બર, 2022 રોજ સુધીના સરકારી આંકડા મુજબ દેશમાં ચાલુ રવી પાક સીઝન દરમિયાન ઘઉંનું વાવેતર 302.61 લાખ હેક્ટરથી વધીને 312.26 લાખ હેક્ટરે પહોંચ્યું હતુ.