GST On Car Bike In India : કાર એસયુવી, બાઇક મોટરસાઇકલ જેવી વાહનો દિવાળી પહેલા સસ્તા થવાની અપેક્ષા છે. તાજેતરમાં 79માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST (Goods and Services Tax) રિફોર્મ એટલે કે જીએસટી 2.0 ની ઘોષણા કરી હતી. જેમા પીએમ મોદી જીએસટી ઘટાડવાની વાત કહી હતી. ત્યાર પછી જીએસટી ઘટ્યા બાદ શું સસ્તુ થશે તે અંગેની અટકળો તેજ થઇ ગઇ છે. જીએસટી રિફોર્મમાં ઓટો સેક્ટરને પણ બુસ્ટર ડોઝ મળવાની અપેક્ષા છે. સરકાર કાર, બાઇક જેવા વાહનો પર જીએસટી ઘટાડી શકે છે, તેનાથી દેશમાં વાહનોનું વેચાણ વધશે અને ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ મળી શકે છે.
હાલ તમામ પેસેન્જર વ્હીકલ પર 28 ટકા જીએસટી લાગુ પડે છે. ઉપરાંત એન્જિન કેપેસિટી,લંબાઇ અને બોડીના પ્રકારના આધારે 1 થી 22 ટકા સુધી સેસ (CESS) વસુલવામાં આવે છે. આમ કુલ ચૂકવવાપાત્ર જીએસટી 50 ટકા સુધી પહોંચી જાય છે. જો કે ઇલેક્ટ્રિક કાર પર કોઈ સેસ વગર ફક્ત 5 ટકા જ ટેક્સ વસૂલવામાં આવે છે.
બાઇક, સ્કૂટર જેવા ટુ વ્હીલર પર કેટલો GST છે?
ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરીયે તો બાઇક, સ્કૂટર પર 28 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જેમા 350 સીસી સુધીની એન્જિન કેપિસિટી ધરાવતા ટુ વ્હીલર પર સેશ શૂન્ય છે, જ્યારે 350cc થી વધુ એન્જિન કેપેસિટી વાળા બાઇક સ્કૂટર પર 3 ટકા સેશ વસૂલવામાં આવે છે.
GST કાઉન્સિલની બેઠક યોજાશે
ચાલુ સપ્તાહના અંત સુધી GST કાઉન્સિલ દ્વારા ત્રણ મંત્રીઓના જૂથ (GoMS) કેન્દ્રના કર માળખાના તર્કસંગતકરણ પ્રસ્તાવની સમીક્ષા કરવા માટે મળશે. ત્યાર પછી તેમની ભલામણો જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.
સંશોધિત કર માળખાંમાં 5 ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ જાળવી રાખવાનો તેમજ 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ દૂર કરવાનો પ્રસ્તાવ છે. જેનાથી કાર અને ટુ વ્હીલર ખરીદનારને ફાયદો થશે. અલબત્ત લક્ઝરી કાર સહિત અમુક લક્ઝુરીયસ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવામાં આવી શકે છે. જો કે આ 40 ટકા જીસએટી સ્લેબમાં 5 થી 7 ચીજવસ્તુઓને જ મૂકવામાં આવી શકે છે.





