Gratuity Rules India 2025 : ગ્રેજ્યુઈટી એક ખાસ પ્રકારનું વળતર છે, જે કંપની તરફથી કર્મચારીને નોકરી છોડવા પર મળે છે. નવા લેબર કોડમાં ગ્રેજ્યુઈટી સંબંધિત નિયમમાં ફેરફાર કરાયો છે, જેનાથી નોકરિયાત વર્ગ ખાસ કરીને ખાનગી કર્મચારીઓને ફાયદો થયો છે. નવા લેબર કોડમાં ગ્રેજ્યુઈટી માટે નોકરીનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે કે 1 વર્ષ બાદ નોકરી છોડવા પર કર્મચારી ગ્રેજ્યુઈટી મેળવવા પાત્ર હશે. સવાલ ઉભો થાય છે કે, શું ગ્રેજ્યુઈટી ની રકમ કરપાત્ર છે? ગ્રેજ્યુઈટીની રકમ પર કેટલો ટેક્સ ચૂકવવો પડે છે? ચાલો જાણીયે આવકવેરા કાયદો શું કહે છે.
What Is Gratuity ? | ગ્રેજ્યુઈટી શું છે?
સૌથી પહેલા તમારે એ જાણવું જરૂર છે કે ગ્રેજ્યુઈટી શું છે? કંપનીમાં લાંબા સમય સુધી કામ કરવાના બદલામાં કર્મચારીઓને એક પ્રકારનું બોનસ આપવામાં આવે છે, જેને ગ્રેચ્યુઇટી કહેવાય છે. અગાઉ 5 વર્ષ સુધી સતત એક જ કંપનીમાં નોકરી કરવા પર કંપની દ્વારા કર્મચારીને પ્રત્યેક વર્ષ દીઠ 15 દિવસનો પગાર ગ્રેજ્યુઈટી તરીકે ચૂકવવામાં આવતો. હવે ગ્રેજ્યુઈટી મેળવવા માટે નોકરીના વર્ષનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
Gratuity Taxable In India? | ગ્રેજ્યુઈટીની રકમ કરપાત્ર છે?
આવકવેરા કાયદામાં ગ્રેજ્યુઈટી સ્વરૂપે મળતી આવક વિશે ચોક્કસ નિયમ છે. ભારતમાં ગ્રેચ્યુઇટી કરપાત્ર છે , પરંતુ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 10(10) હેઠળ નોંધપાત્ર છૂટ ઉપલબ્ધ છે, જે નોકરીદાતાના પ્રકાર અને પ્રાપ્ત રકમના આધારે છે. ભારતમાં ગ્રેજ્યુઈટી સંબંધિત નિયમ સરકારી અને ખાનગી કર્મચારી માટે અલગ અલગ નિયમ છે.
સરકારી કર્મચારીઓ માટે શું નિયમ છે?
ગ્રેજ્યુઈટી રૂપે થતી આવક પર સરકારી કર્મચારીઓને આવકવેરા કાયદામાં મોટી છુટછાટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંરક્ષણ ક્ષેત્ર અથવા સ્થાનિક સત્તાવાળાઓના કર્મચારીઓને નિવૃત્તિ, વીઆરએસ અથવા નોકરી છોડવા પર મળતી સંપૂર્ણ ગ્રેચ્યુઇટી રકમ આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત હોય છે .
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ નિયમ
ગ્રેજ્યુઈટીની આવક વિશે ખાનગી કર્મચારીઓ માટે આવકવેર કાયદામાં અલગ નિયમ છે. ખાનગી કર્મચારીઓને આપવામાં આવતી ગ્રેચ્યુઇટી પર આવકવેરા મુક્તિ તેના પર નિર્ભર કરે છે કે તેઓ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 હેઠળ આવરી લેવામાં આવ્યા છે કે નહીં. ખાનગી કર્મચારીઓને 20 લાખ સુધી ગ્રેજ્યુઈટી કરમુક્ત છે. 20 લાખથી ઉપરની ગ્રેજ્યુઈટીની રકમ પર આવકવેરો ચૂકવવો પડે છે.
આ પણ વાંચો | નવા લેબર કોડ લાગુ, ગ્રેજ્યુઈટી 5 નહીં 1 વર્ષની નોકરી પર પણ મળશે, આ રીતે ગણતરી થશે
ધારકો કે કોઇ ખાનગી કર્મચારીને ગ્રેજ્યુઈટી પેટે 25 લાખ રૂપિયા મળ્યા છે. હવે આવકવેરા કાયદા મુજબ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઈટી કરમુક્ત છે. હવે તેનાથી ઉપરની 5 લાખ રૂપિયાની ગ્રેજ્યુઈટી રકમ પર આવકવેરો ચૂકવવો પડશે.





