સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. અમદાવાદમાં સિંગતેલના ભાવમાં મંગળવારે એક જ ઝાટકે તોતિંગ 100 રૂપિયાનો વધારો થયો અને 15 કિગ્રાના ડબ્બાનો ભાવ 3000 રૂપિયા કુદાવી ગયા છે. એક બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે તો બીજી બાજુ સિંગતેલના ભાવમાં તેલીયાં રાજાઓ બેફામપણે વધારો કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 100 વધીને 3050 રૂપિયા થયો
અમદાવાદમાં 14 ફેબ્રુઆરી, 2023ના રોજ સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાનો ભાવ 2950થી 3050 અને જૂના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા બોલાયો છે. જ્યારે એક દિવસ અગાઉ સોમવારે સિંગતેલના જૂના ડબ્બનો ભાવ 2700 રૂપિયા અને નવા ડબ્બાનો ભાવ 2850થી 2950 રૂપિયા હતો. સિંગતેલના ભાવ વધતા અન્ય ખાદ્યતેલોના ભાવમાં મોંઘવારીનો વધારો થશે.
ફેબ્રુઆરીમાં જ સિંગતેલનો ડબ્બો 180 રૂપિયા મોંઘો થયો
ફેબ્રુઆરીની શરૂઆતથી જ સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદમાં સિંગતેલના 15 કિગ્રાના ડબ્બાનો ભાવ 2870 રૂપિયા હતો, જે સતત વધીને 14 ફેબ્રુઆરી, 2023ના રોજ 3000 રૂપિયા કુદાવીને 3050 રૂપિયા થયો છે. આમ માત્ર 14 જ દિવસમાં સિંગતેલનો ડબ્બો 180 રૂપિયા મોંઘો થયો છો. તો કેલેન્ડર વર્ષ 2023માં સિંગતેલના ભાવમાં ડબો 200 રૂપિયાનો થયો છે. 31 ડિસેમ્બર 2022ના રોજ 15 કિગ્રાના સિંગતેલના ટીનનો ભાવ 2850 રૂપિયા હતો.