/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/Economic-Survey-2023-23.jpg)
સિંગતેલના ભાવ ગુરુવારે ફરી વધ્યા હતા અને ગમે ત્યારે 15 કિલોના ડબાના ભાવ 3100 રૂપિયાને સ્પર્શી જવાની તૈયારીમાં છે. ગુરુવારે અમદાવાદમાં સિંગતેલના ભાવ 30 રૂપિયા વધ્યા અને 15 કિગ્રાના ડબાનો ભાવ 3080 રૂપિયા થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસાર સિંગદાણાની ભારે અછત અને ચીનની ખરીદીને કારણે સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. એવું પણ કહી શકાય કે, ચીનના પાપે ગુજરાતીઓ મોંઘું સિંગતેલ ખરીદવા મજબૂર બન્યા છે.
સિંગતેલ 3100 રૂપિયાની નજીક
સિંગતેલના ભાવ ફરી વધ્યા હતા. અમદાવાદમાં ગુરુવાર 17 ફેબ્રુઆરી, 2023ના રોજ સિંગતેલના 15 કિગ્રાના નવા ડબાનો ભાવ 30 રૂપિયા વધીને 2980 થી 3080 રૂપિયા થયો છે. તો જુના ડબાનો ભાવ 2800 રૂપિયા થયો છે. બીજી બાજુ કપાસીયા તેલ ભાવ સ્થિર રહ્યા હતા તો સનફ્લાવર તેલના 15 લિટરના ડબાનો ભાવ 10 રૂપિયા ઘટીને 2070 રૂપિયા થયો હતો.
વર્ષ 2023માં સિંગતેલનો ડબો 230 મોંઘો થયો
એક બાજુ કપાસીયા અને સનફ્લાવર તેલ જેવા અન્ય ખાદ્યતેલોના ભાવ એકંદરે ઘટી રહ્યા છે જ્યારે બીજી બાજુ વર્ષ 2023માં સિંગતેલ સતત મોંઘુ થઇ રહ્યુ છે. 17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સિંગતેલના ડબાનો ભાવ વધીને 3080 થયો છે જે 31 જાન્યુઆરી, 2023ના રોજ 2870 રૂપિયા હતો. આમ માત્ર 17 જ દિવસમાં સિંગતેલનો ડબ્બો 210 રૂપિયા મોંઘો થયો છો. તો કેલેન્ડર વર્ષ 2023માં સિંગતેલના ભાવમાં ડબો 230 રૂપિયાનો થયો છે. 31 ડિસેમ્બર 2022ના રોજ 15 કિગ્રાના સિંગતેલના ટીનનો ભાવ 2850 રૂપિયા હતો.
સિંગતેલ કેમ મોંઘુ થઇ રહ્યું છે?
ગુજરાતીઓ માટે રસોઇ બનાવામાં વપરાતું પરંપરાગત ખાદ્યતેલ સિંગતેલ ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. સિંગતેલના ભાવ વધવા પાછલ મુખ્યત્વે બે પરિબળોને જવાબદાર મનાય છે. બજારના જાણકારોનું કહેવું છે કે, મગફળીનું ઓછા ઉત્પાદન અને ચીન દ્વારા સિંગતેલની ખરીદીથી ભાવ વધી રહ્યા છે. ચીને પાછલા એક-દોઢ મહિનામાં 200થી 300 ટન સિંગતેલની આયાતના સોદા કર્યા છે. આ સોદા લગભગ 2100 ડોલર પ્રતિ ટનના ભાવે થયા હોવાનું મનાય છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડીયા સિંગતેલના ભાવ વધવા પાછળ કાચા માલ સિગદાણાની અછતને જવાબદાર ગણાવે છે. તેમણે કહ્યું કે, ખેડૂતો પાસે મગફળીનો માલ જ ન હોવાથી ગુજરાતના માર્કેટયાર્ડોમાં તેની આવક અત્યંત ઘટી ગઇ છે. પરિણામે ઓઇલ મિલોને પિલાણ માટે પણ રો-મટિરિયલ એટલે કે સિંગદાણા મળી રહ્યા નથી. પરિણામે સિંગતેલ મોંઘુ થઇ રહ્યું છે. ગુજરાત આશરે 250 ઓઇલ મિલો છે અને 80 ટકા મિલોમાં કાચા માલના અભાવે કામકાજ નહિવત છે. હાલ ઉનાળુ મગફળીનું વાવેતર શરૂ થયુ છે અને તેની આવક મે મહિનાની મધ્યમાં શરૂ થશે. તેઓ ભારપૂર્વક કહે છે, હાલ સિંગતેલમાં વધારે તેજીની શક્યતા દેખાતી નથી.
મગફળીના ઉત્પાદનમાં સતત ઘટાડો
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા કેટલાંક વર્ષોમાં સતત ઘટી રહ્યું છે. કિશોર વિરડીયા જણાવે છે કે, પાક સીઝનમાં 2021-22માં 17 લાખ હેક્ટમાં વાવેતરની સામે મગફળીનો પક 26થી 28 લાખ ટન થયો હોવાનો અંદાજ છે. તો વર્ષ 2020-21માં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ અને ઉત્પાદન 32 લાખ ટન જેટલું થયું હતુ. તેની પૂર્વ વર્ષ 2019-20માં 27 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થતા 40 લાખ ટન જેટલી મગફળીનું ઉત્પાદન થયુ હતુ. આમ માત્ર ત્રણ જ વર્ષમાં ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં 9 લાખ ટનથી વધારે ઘટાડો થયો છે.
મગફળી કેટલી મોંઘી થઇ
ઓછા ઉત્પાદનના લીધે બજારમાં મગફળી અને સિંગદાણાના ભાવ એકંદરે વધ્યા છે. ગોંડલમાં હાલ મગફળીનો ભાવ 1700 રૂપિયા પ્રતિ મણની આવક બોલાઇ રહ્યા છે. તો સિંગદાણાના ભાવ કાઉન્ટ અનુસાર 1 લાખ રૂપિયાથી 1.15 રૂપિયા પ્રતિ ટનની આસપાસ ચાલી રહ્યા છે. ગોંડલમાં સિંગતેલનો ભાવ પ્રતિ 10 કિગ્રા 1700 રૂપિયા છે. તો 15 કિગ્રાના ડબાનો ભાવ 2850થી 2900 રૂપિયાની વચ્ચે છે.
ખેડૂતો માટે મગફળીની ખેતી થઇ મોંઘી
ખેડૂતો માટે મગફળીની ખેત હવે મોંઘી થઇ રહી છે અને તેના લીધે જ તેઓ આ તેલીબિયાં પાક માટે ઓછી જમીન ફાળવે છે. એક વીઘા જમીનમાં મગફળીના વાવેતરમાં દોઢ મણ બિયારણની જરૂર પડે છે. હાલ એક મણ બિયારણનો ભાવ 4000 રૂપિયા છે, આમ દોઢ મણ બિયારણનો ખર્ચ 6000 રૂપિયા થાય છે. વાવેતર કર્યા બાદ 1000નું ખાતર, 3000 રૂપિયાના જંતુનાશકો અને 6000 રૂપિયા મંજૂરી પેટે થાય છે. આમ 1 વીઘા ખેતરમાં મગફળીની ખેતી પાછળનો ખર્ચ 16000થી 17000 રૂપિયા થાય છે. એક વીઘા ખેતરમાં સરેરાશ 14થી 17 મણ મગફળીનું ઉત્પાદન થાય છે. જ્યારે હાલ માર્કેટયાર્ડોમાં એક મણ મગફળીનો ભાવ સરેરાશ 1300થી 1500 રૂપિયની વચ્ચે બોલાઇ રહ્યો છે. આમ મગફળીની ખેતીમાં વધારે નફો મળતો ન હોવાથી ખેડૂતો ઉંચો નફો આપતા અન્ય કૃષિ પાકો તરફ ફંટાઇ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us