સરકારી તિજોરી છલકાઇ : દેશનું કુલ GST ક્લેક્શન ફેબ્રુઆરીમાં ₹ 1.49 લાખ કરોડ, જાણો ગુજરાતનું કેટલું વધ્યું

GST collection February : દેશનું માસિક જીએસટી ક્લેક્શન સતત 12માં મહિને 1.40 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેતા સરકારી તિજોરી છલકાઇ ગઇ છે. ફેબ્રુઆરી 2023માં સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતના જીએસટી વસૂલાતમાં પણ વધારો થયો છે.

Written by Ajay Saroya
March 01, 2023 17:39 IST
સરકારી તિજોરી છલકાઇ : દેશનું કુલ GST ક્લેક્શન ફેબ્રુઆરીમાં ₹ 1.49 લાખ કરોડ, જાણો ગુજરાતનું કેટલું વધ્યું
ફેબ્રુઆરીમાં દેશનું કુલ જીએસટી ક્લેક્શન 12 ટકા વધ્યું

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ કર વસૂલાતમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઇ રહી છે. આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી 2023માં કુલ જીએસટી ક્લેક્શન વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયું છે. આમ સતત 12 મહિના માસિક જીએસટી કર વસૂલાત 1.40 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહી છે. જે દેશમાં વધી રહેલી આર્થિક પ્રવૃત્તિ અને કર વસૂલાતની કામગીરી કડક- સુવ્યવસ્થિત રીતે થતી હોવાના સંકેત આપે છે.

સતત 12માં મહિને GST વસૂલાત 1.40 લાખ કરોડની ઉપર

નાણાંણા મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં દેશનું કુલ જીએસટી ક્લેક્શન 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયુ છે. આ સાથે સતત 12 મહિના માટે માસિક GST રેવન્યુ કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં જીએસટી હેઠળ કુલ કર વસૂલાત 1,33,026 કરોડ રૂપિયા નોંધાઇ હતી. ફેબ્રુઆરી 2023ના કુલ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી (CGST) 27,662 કરોડ કરોડ, સ્ટેટ જીએસટી (SGST) 34,915 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) 75,069 કરોડ રૂપિયા અને સેસ પેટે 11,931 કરોડ રૂપિયાની વસૂલાતનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, જાન્યુઆરી 2023માં કુલ 1,55,922 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન થયુ હતુ, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું સૌથી વધુ માસિક છે. દેશમાં જુલાઇ 2017માં નવી કરપ્રણાલી અસ્તિત્વમાં આવ્યા બાદ એપ્રિલ 2022માં રેકોર્ડ બ્રેક 1.68 લાખ કરોડ રૂપિયાની જીએસટી વસૂલાત થઇ હતી.

સેસ પેટે સૌથી વધુ કર વસૂલાત

નાણા મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં માલસામાનની આયાતથી કર વસૂલાતમાં 6 ટકાનો વધારો થયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ મહિનામાં સૌથી વધુ સેશ કલેક્શન પણ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમને ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ 2023-24 દરમિયાન કેન્દ્ર સરકાર માટે GST કલેક્શનમાં 12 ટકાની વૃદ્ધિ અંદાજ મૂક્યો હતો.

ગુજરાતનું GST ક્લેક્શન કેટલું વધ્યુ?

નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી 2023માં ગુજરાતમાં 9574 કરોડ રૂપિયાની જીએસટી વસૂલાત થઇ છે, જે વાર્ષિક તુલનાએ 8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ફેબ્રુઆરી 2022માં ગુજરાતમાં 8873 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન થયુ હતુ.

gst collection
વિવિધ રાજ્યોનું ફેબ્રુઆરી 2023નું જીએસટી ક્લેક્શન

રકમની રીતે જોઇએ તો સમગ્ર દેશમાં સૌથી વધુ જીએસટી ક્લેક્શન મહારાષ્ટ્રમાં 22,349 કરોડ રૂપિયા થયું છે અને તેમાં વાર્ષિક તુલનાએ 15 ટકાનો વધારો થયો છે. તો ટકાવારીની રીતે લક્ષદ્વીપનું જીએસટી ક્લેક્શન ફેબ્રુઆરી 2023માં વાર્ષિક તુલનાએ 274 ટકા વધીને 3 કરોડ રૂપિયા થયું જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં માત્ર 1 કરોડ રૂપિયાના જીએસટીની કર વસૂલાત થઇ શકી હતી.

GST કલેક્શન વધ્યું પણ વિકાસદર મંદ પડ્યો

ભારતના જીએસટી કલેક્શનમાં સતત વધારો થઇ રહ્યો છે પણ બીજી બાજુ દેશનો વિકાસદર સતત બીજા ત્રિમાસિકમાં ઘટ્યો છે. 28 ફેબ્રુઆરી, 2023ના રોજ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 ત્રિમાસિકમાં ભારતનો વિકાસદર 4.4 ટકા નોંધાયો છે. જ્યારે અગાઉના સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર 6.3 ટકા અને વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં 11.2 ટકા જેટલો ઉંચો રહ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ