ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ક્લેકશને નવો વિક્રમ બનાવ્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં GST ક્લેક્શન 12 ટકા વધીને રેકોર્ડ બ્રેક 1.87 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક જીએસટી આવક છે. નોંધનિય છે કે, ભારતમાં જુલાઇ 2017માં નવી કર પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવી હતી.
એપ્રિલમાં જીએસટી ક્લેક્શન 12 ટકા વધ્યું
નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર એપ્રિલ 2023માં 1,87,035 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન થયુ છે, જે વાર્ષિક તુલનાએ 12 ટકા વધારે છે. એપ્રિલ 2022મમાં જીએસટી પેટે સરકારને 167540 કરોડની આવક થઇ હતી. તો માર્ચ 2023ની તુલનાએ એપ્રિલમાં જીએસટી ક્લેક્શન 16.8 ટકા વધ્યું છે. આ સાથે સતત ત્રીજા મહિને જીએસટી ક્લેક્શનમાં વધારો થયો છે.

વર્ષ 2022-23માં જીએસટી ક્લેક્શન 12 ટકા વધ્યું
31 માર્ચ 2023ના રોજ નાણાંકીય વર્ષ 2022-23 સમાપ્ત થયું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2022-23માં કુલ જીએસટી ક્લેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે, જે અગાઉના વર્ષની તુલનામાં 22 ટકા વધાર છે.

ક્યા ટેક્સમાંથી કેટલી આવક થઇ
એપ્રિલ 2023ના જીએસટી ક્લેક્શનના આંકડાઓ પર નજર કરીયે તો કુલ 1,87,035 કરોડ રૂપિયાની કર વસૂલાત કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) પેટે 38,440 કરોડ રૂપિયા અને સ્ટેટ જીએસટી પેટે (SGST) 47,412 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) પેટે 89,158 કરોડ રૂપિયા તેમજ સેસ પેટે 12025 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.